મતદાર યાદીમાં બબ્બે જગ્યાએ નામ ધરાવતા 846 મતદારોને નોટિસ
મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં નવા 12,140 મતદારો ઉમેરાતા 32 મતદાન મથકો વધશે
રાજકોટ : રાજકોટ જિલ્લામાં કેન્દ્રીય ચૂંટણી આયોગની સૂચના મુજબ તા.20 ઓગસ્ટથી 18 ઓક્ટોબર સુધી શરૂ કરાયેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત બીએલઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવતા જિલ્લામાં 12,140 નવા મતદારો ઉમેરાયા છે અને 7883 નામ કમી કરવામાં આવ્યા છે, મજાની વાત એ છે કે, બુથ લેવલ ઓફિસરો દ્વારા હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં 846 બેવડાયેલા નામ શોધી કાઢી બબ્બે જગ્યાએ મતદાર યાદીમાં નામ ધરાવતા મતદારોને નોટિસ ફટકારી બેમાંથી કોઈપણ એક જ સ્થળે નામ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે.
ચૂંટણી વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ચૂંટણી આયોગના આદેશ મુજબ રાજકોટ જિલ્લામાં .1-10-2024ના રોજ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે તા.20 ઓગસ્ટથી 18 ઓક્ટોબર સુધી શરૂ કરાયેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની 100 ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવતા આ ઝુંબેશ દરમિયાન 12140 નામ ઉમેરવામાં આવ્યા છે અને 7883 નામ કમી કરવામાં આવ્યા છે, સાથે જ 8444 મતદારોના નામમાં સુધારા વધારા કરવામાં આવતા જિલ્લામાં ફેરફારને અંતે મતદારોની સંખ્યા 23,08,550 પર પહોંચી છે.
વધુમાં રાજકોટ જિલ્લામાં સમાવિષ્ઠ વિધાનસભા બેઠકો વાઈઝ હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સુધારણા બાદ તૈયાર કરવામાં આવેલ સુધારેલ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ તા. 29-10 – 2024ના રોજ કરવામાં આવશે ત્યાર બાદ સંક્ષિપ્ત સુધારણા માટે 28-11 -24 સુધી કરાશે જેમાં 1- 1 – 25 ના રોજ 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેવા મતદારોના નામ ઉમેરાશે સાથે જ આગામી તા. 17, 23, 24 નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશ દિવસો બીએલઓ બુથ ઉપર બેસી મતદાર યાદીમાં નામ ઉમેરવા અને કમી કરવાની કામગીરી કરશે.
મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં નવા 12,140 મતદારો ઉમેરાતા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન મથક પુનર્ગઠન કરવામાં આવ્યા છે જેમાં 188 મતદાન મથકોમાં ફેરફાર કરી 73 મતદાન મથકોમાં સ્થળ ફેર, 28 મતદાન મથક નવા નામકરણ સાથે મતદારોની વધેલી સંખ્યા જોતા જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં કુલ 32 નવા મતદાન મથક વધારવામાં આવતા હવે કુલ મતદાન મથક 2225થી વધી 2257 થશે.
બીજી તરફ રાજકોટ જિલ્લામાં કેન્દ્રીય ચૂંટણી આયોગના માર્ગદર્શન અને સૂચના મુજબ બારીકાઈભરી રીતે મતદારયાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવતા બીએલઓ દ્વારા ડુપ્લિકેશન એટલે કે, એક જ મતદાર અલગ અલગ બે જગ્યાએ નામ ધરાવતા હોય તેવા 846 કિસ્સા શોધી કાઢી આવા મતદારોને બેમાંથી કોઈપણ એક જ જગ્યાએ મતદાર યાદીમાં નામ ચાલુ રાખવા નોટિસો ફટકારવામાં આવી છે. ઝુંબેશ દરમિયાન બીએલઓ દ્વારા મતદારોના મૃત્યુના 4625 કિસ્સામાં નામ કમી કરી દેવામાં આવ્યા છે ઉપરાંત સ્થળાંતરના 4153 કિસ્સા સામે આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ચૂંટણી અયોગ દ્વારા 2027ની વિધાનસભા અને આગામી લોકસભા ચૂંટણી માટે નવી સુધારાયેલ મતદાર યાદી ઉપયોગમાં લેવામાં આવશે.