જાગ્યા ત્યારથી સવાર: `બદનામ’ ટીપી શાખાની કામગીરીનું વિકેન્દ્રીકરણ
પ્રજાજનો અને બિલ્ડરોએ હવે સેન્ટ્રલ ઝોન સુધી ધક્કા ખાવા નહીં પડે
૧૫ મીટર સુધીના બાંધકામની પરવાનગી અને વપરાશ પરવાનગીની સત્તા ઝોન એટીપી હસ્તક
ઝોન પ્રમાણે સ્ટાફ એલોટ કરાયો, મધ્યસ્થ કામગીરી સેન્ટ્રલ ઝોનમાં જ રહેશે
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડના મુળમાં મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાનો ભ્રષ્ટાચાર જવાબદાર હોવાથી તેના ઉપર માછલા ધોવાઈ રહ્યા છે. ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયા, એટીપી ગૌતમ જોષી, રાજેશ મકવાણા, મુકેશ મકવાણા સહિતનાની ધરપકડ થઈ ચૂકી છે. મ્યુનિસિપલ કમિશનરની દેખરેખ હેઠળ આવતી ટીપી શાખામાં અગ્નિકાંડ બાદ જડમૂળથી ફેરફાર થયા છે સાથે સાથે આવી ઘટના ફરી વખત ન બને તે માટે પગલાં પણ લેવાઈ રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા તમામ એટીપી સહિતનાની બદલી કરાયા બાદ હવે તેની કામગીરીનું પણ વિકેન્દ્રીકરણ મતલબ કે વહેંચણી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્યાર સુધી ટાઉન પ્લાનિંગ શાખાને લગત તમામ કામગીરી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જ કરવામાં આવતી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકંદરે પ્રજાજનો અને બિલ્ડરો પોતાના વિસ્તારને લાગુ ઝોનમાં પણ કામગીરી કરાવી શકશે.
મ્યુનિ.કમિશનર દ્વારા મધ્યસ્થ ટાઉન પ્લાનિંગ વિભાગ (ટીપી વિભાગ)ની રચના કરવામાં આવી છે જેમાં એક એટીપી, બે આસિ. એન્જિ-એડિશનલ આસિ. એન્જિ, ૨ વર્ક આસિસ્ટન્ટ અને એક હેડ સર્વેયર મળી ૬ અધિકારી-કર્મીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિભાગ દ્વારા ડ્રાફ્ટ ટીપી સ્કીમ તૈયાર કરવા, વેરીડ સ્કીમ તૈયાર કરવા, નગર રચના અધિકારી સાથે પરામર્શ રાખવા, નોન ટીપી વિસ્તારમાં પ્લોટ વેલિડેશન આપવા, વિકાસ યોજનાની દરખાસ્તમાં સુધારો કરવા, મહાપાલિકા માટે જમીન સંપાદન કરવા સહિતની કામગીરી કરવામાં આવશે. આ સાથે વિભાગે ટીપીઓ તેમજ મ્યુ.કમિશનર પાસેથી મંજૂરી મેળવ્યા બાદ જ કાર્યવાહી કરવાની રહેશે.
આ ઉપરાંત મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ (ટીડીઓ) વિભાગની રચના કરાઈ છે જેમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર ઉપરાંત એક એટીપી, બે આસિ.એન્જિ-એડી.આસિ. એન્જિ અને ૨ વર્ક આસિસ્ટન્ટ સમાવિષ્ટ છે. આ વિભાગ દ્વારા ૨૫ મીટર કે તેથી વધુ ઉંચાઈના મકાનોની પરવાનગી તેમજ વપરાશ પ્રમાણપત્ર (બીયુસી), ૨૫ મેટર કે તેથી વધુ ઉંચાઈ ધરાવતાં મકાનોના ઈમ્પેક્ટ ફી અંગેના કેસ, જાહેરાતના બોર્ડની મંજૂરી-અભિપ્રાય આપવા સહિતની કામગીરી ટીપીઓ અને મ્યુનિ.કમિશનર પાસેથી મંજૂરી મેળવીને કરવાની રહેશે.
જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગ (ઝોનવાઈઝ)ની કામગીરી પણ નક્કી કરવામાં આવી છે જેમાં ત્રણેય ઝોનના એટીપીએ તેમના ઝોનના સિટી એન્જિનિયર તેમજ ડેપ્યુટી કમિશનર સાથે સંકલનમાં રહીને કાર્યવાહી કરવાની રહેશે. ૧૫ મીટર ઉંચાઈ સુધીના તમામ પ્રકારના બાંધકામની પરવાનગી તેમજ બીયુસી આપવા અને ૧૫ મીટર ઉંચાઈ સુધીના ઈમ્પેક્ટ ફીના કેસ મંજૂર કરવા અંગેની કામગીરી જે તે ઝોનના એટીપી દ્વારા ઝોન કક્ષાએથી કરવાની રહેશે. અત્યાર સુધી આ પ્રકારની કાર્યવાહી ટીપીઓ દ્વારા કરાતી હતી જેમાં ફેરફાર કરાયો છે.
આ જ રીતે ૧૫ મીટરથી ૨૫ મીટર ઉંચાઈ સુધીના તમામ પ્રકારના બાંધકામની પરવાનગી તેમજ બીયુસી આપવા અને ૧૫થી ૨૫ મીટરથી વધુ ઉંચાઈ ધરાવતા બિલ્ડિંગની ઈમ્પેક્ટ ફી મંજૂર કરવા અંગેની કામગીરી જે તે ઝોનના એટીપી દ્વારા સિટી એન્જિનિયરના પરામર્શમાં રહી તે ઝોનના ડેપ્યુટી કમિશનરની દેખરેખ હેઠળ કરવાની રહેશે.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે કલમ ૨૬૦(૨) કે જે ગેરકાયદે દબાણ તોડી પાડવા માટેની છે તે કામગીરી હવે ઝોનના સિટી ઈજનેર દ્વારા અપાશે. જ્યારે ૨૬૦(૧)ની કામગીરી જે તે ઝોનના એટીપી દ્વારા કરવાની રહેશે.
ત્રણેય ઝોન માટે એટીપી ફાળવાયા
મ્યુનિ.કમિશનર દ્વારા સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ એમ ત્રણેય ઝોનલ કચેરી માટે એટીપી સહિતના ૧૨ અધિકારી-કર્મીઓની ટીમ બનાવાઈ છે. દરેક ઝોનમાં ૨ એટીપી, ૬ આસિ. એન્જિ. એડી.આસિ. એન્જિ, ૨ વર્ક આસિસ્ટન્ટ અને ૨ સર્વેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે.