રાજકોટમાં ‘મોજ’ આઠમ
રાજકોટ પર આખરે કાનૂડાનો પ્રેમ વરસ્યોવહેલી સવારે ૪ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ બપોરે ૪ વાગ્યા સુધી યથાવત રહેતાં આખું શહેર જળબંબાકાર
૧૨ કલાકમાં સવા છ ઈંચથી વધુ પાણી પડી ગયું
નવથી વધુ સ્થળે વૃક્ષો ધરાશાયી: ચારેય બાજુ પાણી ભરાઈ જતાં ઠેર-ઠેર ટ્રાફિકજામ
દરેક ફાયર સ્ટેશનના ફોન આખો દિવસ ધણધણતા રહ્યા: તમામની રજા રદ્દ
આ સીઝનનો સૌથી વધુ વરસાદ સાતમ-આઠમના તહેવાર પર પડ્યો:
સુપર સન્ડે’ને મન ભરીને માણતાં રાજકોટીયન્સ
રાજકોટવાસીઓ જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા હતા તે મેઘરાજાનું વ્હાલ આખરે સાતમ-આઠમના પર્વે વરસ્યું છે. રાજકોટ ઉપર કાનૂડાએ પ્રેમ વરસાવ્યો હોય તેવી રીતે રવિવારેે વહેલી સવારે ૪ વાગ્યાથી લઈ રવિવારે બપોરે ૪ વાગ્યા સુધીની ૧૨ કલાકમાં સવા છ ઈંચ કરતાં વધુ પાણી વરસાવી દેતાં આખું શહેર પાણી પાણી થઈ જવા પામ્યું હતું. એક સાથે આટલો વરસાદ પડી જતાં શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં ગોઠણથી લઈ કમર ડૂબી જાય ત્યાં સુધી પાણી ભરાયું ન હોય ! આ પ્રકારની સ્થિતિ પ્રવર્તતા લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર ભારે વરસાદની આગાહી સાચી પડી હોય તેમ રવિવારે વહેલી સવારથી જ રાજકોટમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. બીજી બાજુ રવિવાર ઉપરાંત જન્માષ્ટમીની રજા હોવાથી લોકોએ પણ આ વરસાદને મન ભરીને માણ્યો હતો. ફાયર વિભાગ પાસેથી જાણવા મળ્યા પ્રમાણે આ ૧૨ કલાકની અંદર સેન્ટ્રલ ઝોનમાં ૧૬૦ મીમી, વેસ્ટ ઝોનમાં ૧૩૫ મીમી અને ઈસ્ટ ઝોનમાં ૧૩૫ મીમી પાણી વરસ્યું હતું. આ સાથે જ ચાલું સીઝનનો સૌથી વધુ વરસાદ રવિવારે રાજકોટમાં નોંધાયો હતો. શહેરમાં આ વર્ષે સીઝનનો કુલ વરસાદ ૨૪ ઈંચ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ભારે વરસાદને કારણે રૈયા રોડ, રેલનગર, ગોંડલ રોડ, આજી ડેમ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં નવથી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. સદ્ભાગ્યે વૃક્ષ તૂટ્યા ત્યારે આસપાસ કોઈ ન હોવાથી જાનહાની કે કોઈને ઈજા પહોંચી ન્હોતી. બીજી બાજુ વરસાદી પાણી ઠેર-ઠેર ભરાયેલા હોવાથી દરેક ફાયર સ્ટેશનના ટેલિફોન આખો દિવસ ધણધણતા રહ્યા હતા. તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગના તમામ સ્ટાફની રજા મ્યુનિસિપલ કમિશનર દ્વારા રદ્દ કરી નાખવામાં આવી હતી.
ભારે વરસાદ હોય અને બરાબર ત્યારે જ રવિવાર સાથે રજાનો દિવસ હોય અને રાજકોટીયન્સ તેને માણે નહીં તેવું બની શકે ખરું ? મેઘરાજાએ રાજકોટીયન્સ માટે રવિવાર `સુપર સન્ડે’ બનાવી દેતાં નાના બાળકથી લઈ મોટેરા સુધી સૌ ન્હાવા નીકળ્યા હતા જેના કારણે રસ્તાઓ ઉપર પાણીની સાથે સાથે વાહનો પણ એટલી જ સંખ્યામાં ખડકાયેલા જોવા મળ્યા હતા.
ક્યાં ઝોનમાં કેટલો વરસાદ (ફાયર વિભાગ પ્રમાણે, રવિવારે બપોરે ૪ સુધી)
ઝોન વરસાદ (મીમી) સીઝનનો કુલ (મીમી)
સેન્ટ્રલ ૧૬૦ ૫૯૧
વેસ્ટ ૧૩૫ ૫૬૯
ઈસ્ટ ૧૩૫ ૪૩૬
ચાલું વરસાદે ઈલેક્ટ્રિક થાંભલાને અડી જતાં યુવાનનું મોત
રાજકોટમાં રવિવારે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હોય જે બપોરે ૪ વાગ્યા સુધી યથાવત રહ્યો હતો. દરમિયાન અયોધ્યા ચોકમાં આર.કે.આઈકોનિક બિલ્ડિંગ વિંગ-૨માં ચાલું વરસાદે ઈલેક્ટ્રિક થાંભલાને અડી જતાં પરપ્રાંતિય યુવક દિનેશ (ઉ.વ.૩૦)નું ઘટનાસ્થળે જ તરફડીને મોત નિપજતાં ચકચાર મચી જવા પામી હતી.
મહિલા કોલેજ અન્ડરબ્રિજ બન્યો સ્વિમિંગ પુલ; પોપટપરા-રેલનગરની હાલત બદથી બદતર
દર વરસાદે સ્વિમિંગ પુલમાં પરિવર્તિત થઈ જવા માટે જાણીતો મહિલા કોલેજ અન્ડરબ્રિજ સવા છ વરસાદ બાદ સ્વિમિંગ પુલ બની જતાં લોકોએ તેમાં ધૂબાકા માર્યા હતા. બીજી બાજુ કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો. આવી જ હાલત પોપટપરા અને રેલનગર વિસ્તારની પણ થવા પામી હતી ત્યાં પણ દર વર્ષની માફક આ વર્ષે કમરડૂબ પાણી ભરાઈ જતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદને કારણે મનપા આયોજિત લોકડાયરાનો કાર્યક્રમ રદ્દ
જન્માષ્ટમી પર્વ અંતર્ગત મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૧૪માં સોરઠિયા વાડી સર્કલ ખાતે સાહિત્યકાર કીર્તિદાન ગઢવી-ધીરુભાઈ સરવૈયાનો લોકડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે ભારે વરસાદને પગલે તેને રદ્દ કરવાની જાહેરાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદની ફ્લાઈટ રદ્દ-મુંબઈની ૩૫ મિનિટ મોડી
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અમદાવાદની ઈન્ડિગો ફ્લાઈટ ટેકનીકલ કારણોસર રદ્દ કરવામાં આવી હતી જ્યારે મુંબઈની ફ્લાઈટ ૩૫ મિનિટ મોડી ઉપડી હોવાનું જાણવા મળી રહ્યું છે.