ધારાસભ્ય, સ્ટે.ચેરમેન, દંડકનો વૉર્ડ ગોબરો’ !
ગેરકાયદેસર બાંધકામ, પાણી નહીં આવવા, ગટર ઉભરાવાની ફરિયાદોનો મારો
રોશની, બગીચા, ટ્રાફિક સહિતની ૩૭ ફરિયાદો પેટા: લોકોની જે પણ ફરિયાદ હોય અને સાંભળવા-ઉકેલવા તૈયાર: અમને જે પણ સંભળાવવું હોય તે સંભળાવી શકે: નેતાઓ
સ્માર્ટ સિટી રાજકોટ’નું સૂત્ર તો બહુ સાંભળ્યું જ છે પરંતુ શું રાજકોટ ખરેખર સ્માર્ટ સિટી છે ખરું ? આ મુદ્દો હજુ સુધી અકબંધ જ રહ્યો છે કેમ કે અનેક વિસ્તારોમાં સ્માર્ટ સિટી જેવી તો દૂર પરંતુ પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ થઈ રહી નથી. એકંદરે શહેરમાં મળતી સુવિધાઓની `નાડ’ પારખવા માટે મહાપાલિકા દ્વારા દરેક વોર્ડમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ-અલગ પ્રકારની ફરિયાદો થઈ રહી છે. દરમિયાન વોર્ડ નં.૨ કે જે ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને શાસક પક્ષના દંડક મનિષ રાડિયાનો વોર્ડ છે ત્યાં આયોજિત લોક દરબારમાં સફાઈ અને ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદોનો ઢગલો થઈ જવા પામ્યો હતો.
સવારે ૯થી ૧૧ વાગ્યા દરમિયાન વોર્ડ નં.૨ની વોર્ડ ઓફિસ ખાતે આયોજિત આ લોક દરબારમાં પાંચેય પદાધિકારી ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, પૂર્વ સાંસદ, શહેર ભાજપ મહામંત્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને લોકોની ફરિયાદો સાંભળી હતી. કાર્યક્રમમાં થયેલી ફરિયાદોમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ, વોટર વર્કસ અને ડે્રનેજને લગત ૧૮ ફરિયાદો આવી હતી. આ ઉપરાંત સફાઈ, ગંદકી સહિતની ૧૩ ફરિયાદ, ગાર્ડનને લગત ૨, રોશનીની ૩ અને ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટની એક સહિત કુલ ૩૭ ફરિયાદો મળી હતી જેનો ત્વરિત ઉકેલ લાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
દરમિયાન ભાજપ નેતાઓએ જણાવ્યું હતું કે લોકોની જે પણ ફરિયાદ હોય તેને સાંભળવા અને ઉકેલ લાવવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ સાથે સાથે લોકદરબાર દરમિયાન લોકોએ અમને જે પણ સંભળાવવું હોય તે સંભળાવવાની પણ છૂટ છે !
આજે વોર્ડ નં.૩માં લોક દરબાર
આજે વોર્ડ નં.૩માં `મેયર તમારા દ્વારે’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ સવારે ૯થી ૧૧ દરમિયાન મા સંતોષી પ્રાથમિક શાળા નં.૯૮, રેલનગર, ૮૦ ફૂટ રોડ ખાતે યોજાશે જેમાં લોકોને પોતાની ફરિયાદ કરવા માટે હાજર રહેવા અપીલ કરાઈ છે.