બે મહિનાના બીજી વખત ટ્રમ્પની હત્યાનો પ્રયાસ
ગોલ્ફ રમી રહ્યા હતા ત્યારે ગોળીબાર: હુમલાખોર ઝડપાયો
છેલ્લા બે મહિનામાં બીજી વખત અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રપતિપદના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ થયો હતો.ટ્રમ્પ ફ્લોરિડા ખાતે વેસ્ટ પામ બીચ પર તેમની માલિકીના ટ્રમ્પ ઇન્ટરનેશનલ ગોલ્ફ ક્લબ ખાતે ગોલ્ફ રમી રહ્યા હતા ત્યારે કથિત રીતે તેમની પર ગોળીબાર થયો હતો.તે સમયે તેમની સાથે રહેલા સિક્રેટ સર્વિસ એજન્ટ્સ તેમને કોર્ડન કરીને સલામત સ્થળે દોરી ગયા હતા.પોલીસે આ બારામાં 58 વર્ષના રયાન વેસ્લી રુથ નામના શખ્સની ધરપકડ કરી હતી.
પામ બીચ કાઉન્ટી શેરીફ રિક બ્રેડશો ના જણાવ્યા મુજબ ગોલ્ફ ક્લબની વાડ પાસે એક શખ્સ બંદુકનું નાળચું ટ્રમ્પ તરફ તાંકી ને ઊભેલો નજરે પડતા સિક્રેટ સર્વિસ દ્વારા તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.જો કે એ શખ્સ ભાગીને એક કારમાં બેસી નાસી છૂટ્યો હતો જેને બાદમાં હાઇ વે પરથી ઝડપી લેવાયો હતો.એફબીઆઈએ આ ઘટનાને હત્યાનો પ્રયાસ ગણી તપાસ હાથ ધરી છે. ટ્રમ્પે પોતે સલામત હોવાનો સોશિયલ મીડિયા પર સંદેશો આપ્યો હતો અને ત્વરિત કામગીરી બદલ સિક્રેટ સર્વિસ નો આભાર માન્યો હતો.
પ્રેસિડેન્ટ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસે અમેરિકા રાજકારણમાં હિંસા ને કોઈ સ્થાન ન હોવાનું ચડાવી આ ઘટનાને વખોડી હતી અને ટ્રમ્પ સલામતલ ખુશી વ્યક્ત કરી હતી.
હુમલાખોર ટ્રમ્પથી માત્ર 500 યાડ દૂર હતો
હુમલાખોર નાસી ગયા બાદ તે સ્થળેથી એકે 47 રાઇફલ ઉપરાંત ટેલિસ્કોપ અને GoPro કેમેરા જેવા આધુનિક સાધનો મળી આવ્યા હતા. એફબીઆઇના જણાવ્યા મુજબ હુમલાખોર ટ્રમ્પથી માત્ર 300 થી 500 યાર્ડ ની દુરી પર જ નિશાન લઈને બેઠો હતો. જો કે ટ્રમ્પ ઉપર ફાયરિંગ થયું કે નહીં તે મોડે સુધી નક્કી થઈ શક્યું નહોતું.
આરોપી યુક્રેનનો સમર્થક અને ટ્રમ્પનો હાડોહાડ વિરોધી છે
પોલીસે પકડેલો આરોપી રયાન વેસ્લી રુથ હવાઈમાં એક નાનકડી કન્સ્ટ્રક્શન કંપની ધરાવે છે. તે યુક્રેન નો સમર્થક છે. રશિયા સામે યુક્રેન વતી યુદ્ધ લડવાની અને મરવાની ઈચ્છા તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યક્ત કરી હતી. ક્રેમલીનને જમીન દોસ્ત કરી દેવું જોઈએ તેવો આક્રોશ તેણે વ્યક્ત કર્યો હતો. 2022 માં તેણે યુક્રેન ની મુલાકાત પણ લીધી હતી. સોશિયલ મીડિયા પર તે સક્રિય હતો. તે માનતો હતો કે સામાન્ય લોકો યુદ્ધની દિશા બદલી અને ભાવી યુધ્ધોને રોકી શકે છે. તેણે માનવ અધિકાર, સ્વતંત્રતા અને લોકશાહીને બચાવવા માટે દરેક નાગરિક દરરોજ પોતાનું પ્રદાન આપે તેવો અનુરોધ કર્યો હતો. 2002માં ગ્રીન્સ બોરોમા એક બિઝનેસ ઓફિસમાં આધુનિક શસ્ત્રો સાથે ઘસી જઈ ધમાલ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે ડોનાલ્ડ ટ્રમ્પ નો વિરોધી હોવાનું તેના પુત્રએ જણાવ્યું હતું. જોકે તે ટ્રમ્પ ની હત્યાનો પ્રયાસ કરે તે માની શકાય ન હોવાનું તેના પુત્ર એ કહ્યું હતું.
બાઇડેન કે હેરીસની હત્યાનો કેમ કોઈ પ્રયાસ નથી કરતું? એલોન મસ્ક
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસ બાદ વિશ્વભરના નેતાઓએ પ્રતિક્રિયા આપી એ ઘટનાને વખોડી અને ટ્રમ્પ સલામત હોવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. એ બધા વચ્ચે ટેસ્લાના માલિક અને ટ્રમ્પ સમર્થક એલોન મસ્કે તેમની માલિકીની X ઉપર વિવાદાસ્પદ ટ્વિટ કર્યું હતું. તેમણે સવાલ કર્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ ની હત્યાનો જ પ્રયાસ કેમ થાય છે? જો બાઈડેન કે કમલા હેરીસ ની હત્યાનો પ્રયાસ કેમ કોઈ કરતું નથી?