રાજકોટના પશ્ચિમ ઝોનમાં મેઘરાજાનું દે ધનાધન
૩૬ કલાકમાં વેસ્ટ ઝોનમાં ૧૦ ઇંચ વરસાદ નોંધાયો: સેન્ટ્રલ ઝોનમાં સવા ઇંચ અને ઇસ્ટ ઝોનમાં માત્ર પોણો ઇંચ પાણી પડ્યું
રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે મેઘરાજાએ શહેરીજનોને ધરવી દીધા હતા. આજ સવારથી વેસ્ટ ઝોનમાં શરૂ થયેલા તોફાની વરસાદના કારણે ૧ ૦કલાકમાં ૬ ઇંચ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે, શહેરના મધ્ય ઝોનમાં સવા ઇંચ અને ઈસ્ટ ઝોનમાં માત્ર પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. વેસ્ટ ઝોનમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે.
મધ્યપ્રદેશમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે શનિવારે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી પરંતુ ગાજ્યા મેહ વરસ્યા ન હતા. શનિવારે રાજકોટમાં ધીમીધારે ૪ ઇંચ વરસાદ પડ્યો હતો.
જ્યારે રવિવારે સવારથી મેઘરાજાએ રાજકોટશહેરના વેસ્ટ ઝોનમાં તોફાની બેટિંગ શરૂ કર્યું હતું જેમાં બપોરે ૧૨ વાગ્યાથી ૨ વાગ્યા સુધીમાં જોરદાર વરસાદ શરૂ થતાં શહેરીજનો ગેલમાં આવી ગયા હતા અને તોફાની વરસાદમાં ભીંજાવા માટે પશ્ચિમ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી ગયા હતા.
ફાયરબ્રિગેડના આંકડા મુજબ રાજકોટના વેસ્ટ ઝોનમાં સવારના ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૧૫૧ મીમી (૬ ઇંચ) જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ૩૨ મીમી (સવા ઇંચ) અને ઈસ્ટ ઝોનમાં ૨૦ મીમી (પોણો ઇંચ) વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: હત્યાના પ્રયાસની ફરિયાદ પાછી ખેંચવાના મનદુ:ખમાં થઈ હત્યા
વેસ્ટ ઝોનમાં છેલ્લા ૩૬ કલાકમાં ૧૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજકોટ શહેરમાં સિઝનનો પણ સૌથી વધુ વરસાદ વેસ્ટ ઝોનમાં જોવા મળ્યો છે. વેસ્ટ ઝોનમાં ૫૪૨ મીમી, સેન્ટ્રલ ઝોનમાં ૩૦૭ મીમી અને ઈસ્ટ ઝોનમાં ૩૨૯ મીમી વરસાદ પડી ગયો છે.
રાજકોટમાં પણ મેઘરાજાએ વ્હાલા-દવલાની નીતિ રાખી હતી. વેસ્ટ ઝોનમાં સવારથી શરૂ થયેલા તોફાની વરસાદથી પશ્ચિમ વિસ્તારમાં રહેતા શહેરીજનોની ખુશી વધી ગઈ છે. તો ઈસ્ટ ઝોનમાં વસવાટ કરતાં શહેરીજનો નિરાશ થયા હતા.
આજથી મેઘરાજાનું જોર ઘટશે: સપ્તાહ પછી નવી સિસ્ટમની શક્યતા
ગુજરાતને છેલ્લા એક માસથી મેઘરાજા ધમરોળી રહ્યા છે જેમાં છેલ્લા પાંચ દિવસથી ચાર-ચાર સિસ્ટમ સક્રિય થતાં અમુક સ્થળે ભારેથી અતિભારે વરસાદ નોંધાયા બાદ વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાઈ ગઈ છે. હવામાન વિભાગે રવિવારે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કર્યું હતું જેમાં રાજકોટ શહેરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે આજથી રાજ્યમાં મેઘરાજા ખમૈયા કરશે. આજથી રાજ્યમાં વરાપ નીકળશે. જ્યારે હવામાન નિષ્ણાતોના મત મુજબ આગામી સપ્તાહમાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સર્જાશે જેના કારણે ગુજરાતમાં ૯ ઓગસ્ટથી વરસાદનો ચોથો રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી કરી છે.
હવામાનની કચેરીએ રાજકોટમાં ૬૯ મીમી વરસાદ નોંધાયો
વરસાદી આંકડામાં ભારે તફાવત જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા કચેરી દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં વરસાદ નોંધી રહ્યા છે જેમાં આજે રાજકોટમાં વેસ્ટ ઝોનમાં ૧૫૧ મીમી વરસાદ નોંધાયો છે તેની સામે હવામાન કચેરીમાં માત્ર ૬૯ મીમી વરસાદ નોંધાયો છે. એટલું જ નહીં હવામાન કચેરીમાં રાજકોટનો સિઝનનો ૪૧૯ મીમી વરસાદ નોંધાયો છે જેની સામે મહાનગરપાલિકા દ્વારા નોંધાયેલા વરસાદ આંકડા મુજબ વેસ્ટ ઝોનમાં સિઝનનો ૫૪૨ મીમી, સેન્ટ્રલ ઝોનમાં સિઝનનો ૩૯૭ મીમી અને ઈસ્ટ ઝોનમાં સિઝનનો ૩૨૯ મીમી વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં હજુ પણ ૬૦૭ રાજમાર્ગ પર વાહન વ્યવહાર બંધ
ગુજરાતમાં એક માસથી પડી રહેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રોડ-રસ્તાને સૌથી વધુ નુકસાન થયું છે ત્યારે આજની તારીખે ચાર નેશનલ હાઈ-વે જેમાં સુરત, છોટા ઉદેપુર, ભરૂચ અને મોરબી અને ૩૦ જેટલા સ્ટેટ હાઈ-વે મળી કુલ ૬૦૭ જેટલા હાઈ-વે બંધ હોવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે જેમાં અડધો અડધ હાઈ-વે દક્ષિણ ગુજરાતના બંધ હોવાનું રાજ્ય માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે.
