CAPF કાનૂન સામે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના 3000 અધિકારીઓએ જંગ માંડ્યો
ટોચની જગ્યાઓ IPS ડેપ્યુટેશન દ્વારા ભરવાનો વિરોધ
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ના 3,000થી વધુ ગ્રુપ-એ કેડરના કાર્યરત અધિકારીઓએ CAPF (જનરલ એડમિનિસ્ટ્રેશન) એક્ટ-2026ને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. અરજદારોમાં વીરતા પુરસ્કાર વિજેતા તેમજ મહિલા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓનો આક્ષેપ છે કે નવા કાયદાથી CAPFના કેડર અધિકારીઓ માટે પ્રમોશન મેળવી ટોચના નેતૃત્વ સુધી પહોંચવાનો માર્ગ વધુ મુશ્કેલ બની જશે, જ્યારે IPS અધિકારીઓને ડેપ્યુટેશન પર ઉચ્ચ હોદ્દાઓ પર નિયુક્ત કરવાનો માર્ગ વધુ મજબૂત બનશે.
સંસદે એપ્રિલમાં પસાર કરીને અમલમાં મૂકેલા આ કાયદા મુજબ તમામ CAPFમાં ઇન્સ્પેક્ટર જનરલના 50 ટકા, એડિશનલ ડિરેક્ટર જનરલના ઓછામાં ઓછા 67 ટકા તેમજ સ્પેશિયલ ડિરેક્ટર જનરલ અને ડિરેક્ટર જનરલના તમામ હોદ્દાઓ IPS અધિકારીઓ દ્વારા ડેપ્યુટેશનના આધારે ભરવાના રહેશે. ઉપરાંત, અગાઉ ગ્રુપ-એ CAPF અધિકારીઓ માટે અનામત રહેલી ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલની 50 ટકા જગ્યાઓ અંગે પણ નવા કાયદામાં કોઈ જોગવાઈ રાખવામાં આવી નથી.
અરજદારોનું કહેવું છે કે કાયદાની કલમ-3 અને કલમ-4 બંધારણની ભાવના વિરુદ્ધ છે અને તેને રદ કરવી જોઈએ. તેમણે સુપ્રીમ કોર્ટને અગાઉના ચુકાદાનો અમલ કરાવવાની તેમજ CAPFના હાયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ (HAG)ના હોદ્દાઓ સંબંધિત દળના લાયક કેડર અધિકારીઓમાંથી જ ભરવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે.
આ પણ વાંચો: રાજકોટના પશ્ચિમ ઝોનમાં મેઘરાજાનું દે ધનાધન
અગાઉનો ચુકાદો અને વર્તમાન વિવાદ
23 મે, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે સંજય પ્રકાશ વિ. ભારત સરકાર કેસમાં CAPFના ગ્રુપ-એ એક્ઝિક્યુટિવ કેડરના અધિકારીઓને ઓર્ગેનાઇઝ્ડ ગ્રુપ-એ સર્વિસ તરીકે માન્યતા આપતાં આગામી બે વર્ષમાં IG સ્તર સુધી IPS અધિકારીઓના ડેપ્યુટેશનમાં તબક્કાવાર ઘટાડો કરવા અને છ મહિનામાં કેડર તથા સર્વિસ રૂલ્સમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો હતો. કેન્દ્ર સરકારે આ ચુકાદા સામે રિવ્યૂ અરજી કરી હતી, પરંતુ ઓક્ટોબર-2025માં સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી. ત્યારબાદ નિવૃત્ત CAPF અધિકારીઓએ ચુકાદાના અમલ માટે અવમાનનાની અરજી દાખલ કરતાં કેન્દ્ર સરકારે માર્ચ-2026માં નવું CAPF કાયદાનું બિલ રજૂ કર્યું, જે એપ્રિલમાં કાયદા તરીકે અમલમાં આવ્યું. હવે CAPFના હજારો અધિકારીઓનો દાવો છે કે આ કાયદો સુપ્રીમ કોર્ટના અંતિમ ચુકાદાની અસરને નાબૂદ કરવા માટે લાવવામાં આવ્યો છે.
CAPFમાં કયા દળોનો સમાવેશ થાય છે?
CRPF-કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ
BSF–બોર્ડર સિક્યુરિટી ફોર્સ
ITBP–ભારત-તિબેટ સરહદ પોલીસ
SSB–સશસ્ત્ર સીમા બળ
CISF-કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ
