મોરબીમાં આગામી 15 દિવસ માસ મેઈનટેનન્સ કામગીરી કરાશે
pgvclના એમડીએ કરી ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન સાથે બેઠક: પ્રશ્નોના નિવારણ માટે ખાત્રી: અધિક્ષક ઇજનેર-એસોસિએશનને સંકલનમાં રહેવા પર મૂક્યો ભાર
Pgvclના મેનેજીંગ ડિરેક્ટર પ્રીતિ શર્માએ મોરબીમાં વીજ અધિકારીઓ અને મોરબી ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન સાથે બેઠક કરી હતી. જેમાં ચોમાસા દરમિયાન અવિરત વીજ પુરવઠો મળી રહે તે બાબતે સમીક્ષા બેઠક કરી હતી. ઉપરાંત ચોમાસા દરમિયાન સ્થિતિને પહોંચી વળવા મેઈનટેનન્સ ટીમ અને વાહનો વધારવામાં આવશે તેવું જણાવ્યું હતું.
Pgvclના એમડી પ્રીતિ શર્મા દ્વારા મોરબીમાં વીજ અધિકારીઓ સાથે તેમજ ઇન્ડસ્ટ્રી એસોસિએશન સાથે ખાસ મિટિંગ કરવામાં આવી હતી. જેમાં મોરબી વિસ્તારના તમામ ઔદ્યોગિક ફિડરનું સ્થિતિવાર વિશ્લેષણ કરી, પરિસ્થિતિ મુજબ કામગીરી કરવા, મોરબીમાં 360 કિમી મીડિયમ વૉલ્ટેજ કવર્ડ કંડકટર લગાડવાની કામગીરી ઝડપી પૂરી કરવા સૂચના આપી હતી. જ્યારે આગામી 15 દિવસ સુધી મોરબીમાં માસ મેઇનટેનન્સ હાથ ધરવામાં આવશે, રિયલ ટાઈમ કોમ્યુનિકેશન સુનિશ્ચિત કરવા માટે દરેક ફિડર ગ્રૂપનું વોટ્સેપ ગ્રુપ બનાવવાનું નક્કી કરાયું હતું.
જ્યારે ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન સાથે બેઠકમાં તેમના પ્રશ્નોના નિવારણ માટે ખાત્રી આપી હતી. ઉપરાંત મોરબીના અધિક્ષક ઇજનેર તેમજ ઔદ્યોગિક એસોસિએશન બંનેને સંકલનમાં રહેવા પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને ચોમાસા દરમિયાન પરિસ્થિતિને પહોંચી વળવા માટે મેઈનટેનન્સ ટીમ અને વાહનો વધારવામાં આવશે તેવું જણાવ્યું હતું.