બોગસ સહીથી લિકર પરમિટ આપવાનું કૌભાડ
ગુજરાતમા કહેવા પૂરતી શરાબબંધી છે જેના કારણે શરાબના નામે અઢળક ભ્રષ્ટાચાર થાય છે. રાજ્યમા પરમિટ લઈને શરાબ પી શકાય છે તેના કારણે પરમિટ કઢાવવામાં પણ મોટા પાયે ઘાલમેલ ચાલે છે. પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટે તાજેતરમા લિકર પરમિટના એક કૌભાડનો પર્દાફાશ કર્યો છે જેમા અમદાવાદમાં બોગસ સહીના આધારે ૫૦ લિકર પરમિટ ઈશ્યૂ કરવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે. આ મામલે સમગ્ર ગુજરાતમા તપાસના આદેશ અપાયા છે.
એક અહેવાલ મુજબ ગુજરાત નશાબંધી અને એક્સાઈઝ વિભાગની અમદાવાદ જિલ્લાની ઓફિસમા છેતરપિડી અને બનાવટનું કૌભાડ જાણવા મળ્યુ છે. અધિકારીઓને તપાસ દરમિયાન ૫૦થી વધુ લિકર પરમિટની અરજીઓ મા બોગસ સહી કરવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે. અમદાવાદ જિલ્લા કચેરી દ્વારા રૂટિન ચેક અપ દરમિયાન આ કૌભાડ બહાર આવ્યુ હતુ. તેના પરથી લાગે છે કે રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ આવી જ રીતે બોગસ સહીના આધારે લિકર પરમિટ અપાઈ હોઈ શકે છે. આ મામલો બહાર આવ્યા પછી બોગસ પૂરાવાના આધારે મેળવાયેલી પરમિટને પકડવા રાજ્યભરમાં તપાસ શરૂ કરવામા આવી છે. જાણકાર સૂત્રો કહે છે કે શરાબની પરમિટ આપવામા એટલા બધા કૌભાંડો ચાલે છે કે આ તો હજુ હિમશીલાની ટોચ છે. વાસ્તવમા આ કૌભાડ ઘણી બધી જગ્યાએ પ્રસરી ગયુ હોય તેવી શક્યતા છે. હાલમા ૨૬ જિલ્લા ઓફિસમા અધિકારીઓ દ્વારા તપાસ થઈ રહી છે.