સિવિલમાં અનફિટ સર્ટિફિકેટ કાંડમાં તપાસ શરૂ : આરએમઓ દાઝશે
127 લોકોને ફટાફટ અનફિટ સર્ટી ઈશ્યુ કરવાની ફાઈલમાં તજજ્ઞોની તપાસ : અનફિટ માંગનારનું સ્વાસ્થ્ય ચકાસવામાં આવશે
રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સાજા સારા વ્યક્તિઓને બીમાર દર્શાવી ભ્રષ્ટાચાર આચરી આપવામાં આવતા અનફિટ સર્ટિફિકેટના આધારે મહાનગર પાલિકામાં કાયમી નોકરી મેળવી લેવાના ખેલમાં નવનિયુક્ત સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે કડક નીતિ અપનાવી આવા 127 સર્ટિફિકેટ ઈશ્યુ થાય તે પહેલા જ ફાઈલ અટકાવી તમામ સર્ટિફિકેટ માંગનાર દર્દીઓનું સ્વાસ્થ્ય ચકાસવા તેમજ રજાનો લાભ લઈ આ સર્ટી ઈશ્યુ કરવા પેરવી કરનાર સામે તપાસ કમિટી નીમી દીધી હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મહાનગર પાલિકામાં નોકરી કરતા સફાઈ કામદાર કર્મચારીઓ અનફિટ થાય તો તેમના વારસદારોને નોકરી મળે તેવી જોગવાઈ હોય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેટલાક ઓર્થોપેડિક તબીબો અને આરએમઓ દ્વારા અગાઉ આડેધડ અનફિટ સર્ટિફિકેટ ઈશ્યુ કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો, જે બાદ નવા આવેલ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે આવા સર્ટિફિકેટ તેમની સહી વગર કે સંમતિ વગર ઈશ્યુ નહીં કરવા તાકીદ કરી હોવા છતાં ગત અઠવાડીએ આરએમઓ દૂસરા સહિતની ટીમે સિવિલતંત્રની જાણ બહાર કહેવાતો કેમ્પ યોજી આવા 127 સર્ટિફિકેટ ઈશ્યુ કરી દેવા તખ્તો ઘડી નાખતા સોમવારે સમગ્ર મામલો સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સુધી પહોંચ્યા હતો સાથે જ અખબારોમાં પણ અહેવાલ પ્રસિદ્ધ થતા ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા છે.
બીજી તરફ રાજકોટ સિવિલમાં આરએમઓ દૂસરાની સીધી જ સંડોવણી વાળા 127 અનફિટ સર્ટિફિકેટ મામલે મંગળવારે સવારથી જ પાંચથી છ સભ્યોની તજજ્ઞ ટીમ દ્વારા આ તમામ અનફિટ સર્ટિફિકેટની તપાસ શરૂ કરવામાં આવી છે અને આવા સર્ટિફિકેટમાં સહી કરનાર તબીબો સામે તપાસ કરવાની સાથે જે -જે દર્દીઓ દ્વારા અનફિટ માંગવામાં આવ્યું હતું તેમના સ્વાસ્થ્યની પુનઃ ચકાસણી કરવાની સાથે ભૂતકાળમાં આ પ્રકારની સારવાર મેળવી હતી કે, કેમ તે સહિતની બાબતોને લઈ તપાસ તેજ કરવાં આવતા અનફિટ કાંડમાં કઈ કેટલાયના તપેલા ચડી જાય તેવા સંકેતો મળી રહ્યા છે.