અગ્નિકાંડ બાદ 19 ગેમઝોનમાં તપાસ : RMCનું કામ કલેકટર તંત્રએ કર્યું
અધિક કલેકટર, પીજીવીસીએલ, આરએન્ડબી સહિતની ટીમો દ્વારા તપાસ બાદ પુરાવા સાથે કલેકટર કચેરીનું તેડું
રાજકોટ : રાજકોટના કાલાવડ રોડ ઉપર સયાજી હોટલ પાછળ નાનામવા વિસ્તારમાં આવેલ ટીઆરપી ગેમઝોન અને રેસ-વેમાં શનિવારે અગ્નિકાંડ બાદ 28થી વધુ નિર્દોષ લોકોના કમકમાટી ભર્યા મોતની ઘટનામાં રાજકોટ મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે આવા સ્ટ્રકચરની મંજૂરી, ફાયર એનસોસી સહિતની તમામ જવાબદારી રાજકોટ મહાનગર પાલિકાની હોવા છતાં આ દુર્ઘટના બાદ રાજકોટ જિલ્લા કલેકટરે શહેરમા આવેલા આવા 19 ગેમઝોનમાં તપાસ માટે અધિક કલેકટર, પીજીવીસીએલ અને આર એન્ડ બી સહિતની ટીમોને દોડવી તમામને પુરાવા સાથે કલેકટર કચેરીએ હાજર થવા ફરમાન કરતા સોમવારે ઉઘડતી કચેરીએ જ ગેમઝોનના સંચાલકો કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા.
શનિવારના ગોઝારા દિવસે રાજકોટના કાલાવડ રોડ ઉપર સયાજી હોટલ પાછળ નાનામવા વિસ્તારમાં બે પાર્ટી પ્લોટ ઉપર ખડકી દેવામાં આવેલ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનામાં સ્થાનિક અધિકારીઓની તપાસની સાથે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસની સાથે જ ગુજરાત હાઇકોર્ટે પણ સુઓમોટો રીટ પીટીશન દાખલ કરતા જ તંત્ર દોડતું થયું છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકાએ કરવાની થતી કામગીરી ગઈકાલથી રાજકોટ કલેકટરે શરૂ કરાવી અધિક કલેકટરની આગેવાનીમાં રેવન્યુ, પીજીવીસીએલ અને આર એન્ડ બી મારફતે ફનવર્ડથી લઈ શહેરમાં આવેલ તમામ ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
વધુમાં કલેકટર તંત્રની ટીમ દ્વારા ગઈકાલે મોડી સાંજ સુધીમાં શહેરમાં આવેલા 19 જેટલા ગેમઝોનમાં તપાસ કરવામાં આવી હોવાનું અને પ્રાથમિક તપાસમાં જ મોટાભાગના ગેમઝોન રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ જમીન ઉપર ખડકાયેલા હોવાનું બહાર આવતા તમામ સંચાલકોને પુરાવા સાથે હાજર રહેવા ફરમાન કરતા સોમવારે ઉઘડતી કચેરીએ જ એક મહિલા સહીત દસેક ગેમઝોનના સંચાલકો પોતાના ગેમઝોનના પુરાવા સાથે રાજકોટ કલેકટર કચેરીમાં આવી પહોંચ્યા હતા. જો કે, ફાયર એનસોસી અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સહિતના મુદ્દે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ ગેમઝોનને હાલતુર્ત બંધ કરાવી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.