આ રીતે તો ૮૦% મિલકત સીલ થઈ જશે !
મહાપાલિકા કચેરીએ આવીને વેપારીઓએ ઉભરો ઠાલવ્યો
RMCને માત્ર સીલમાં જ રસ, હેરાનગતિની પડી જ નથી
વેપારી કે સ્કૂલ સંચાલકે કોઈ ગુનો કર્યો હોય તેમ સીલ કરવા આવનાર ટીમનું ઉદ્ધત વર્તન
દરેક અધિકારી દ્વારા કાર્યવાહીમાં અલગ અર્થઘટનથી સ્થિતિ બગડે છે
ફાયરના સાધનો કરવા નોટિસ આપ્યા વગર જ મિલકત સીલ કરી દેવાય તે ગેરવ્યાજબી
ચેમ્બર ઓફ કોમર્સ, શાળા સંચાલક મંડળ, મોટી સંખ્યામાં વેપારીઓમાં દોડધામ

ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાપાલિકાએ આળસ ખંખેરીને આખા રાજકોટમાં ફાયર એનઓસી, બિલ્ડિંગ યુઝ પરમીશન અને કમ્પલીશન સર્ટિફિકેટનું ચેકિંગ શરૂ કરી દીધું છે. દરરોજ મોટી સંખ્યામાં મિલકતો સીલ થઈ રહી છે જેના કારણે સૌથી વધુ ફટકો સ્કૂલ, હોસ્પિટલોને પડી રહ્યો છે સાથે સાથે ધંધાર્થીઓને પણ મોટાપાયે હેરાનગતિ થઈ રહી છે. આ મુદ્દે અત્યાર સુધી અલગ-અલગ તબક્કે રજૂઆત કરાયા બાદ મંગળવારે ઉઘડતી કચેરીએ જ અલગ-અલગ સંસ્થા તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં દોડી આવતાં આખી કચેરી `વેપારી’ઓથી ઉભરાઈ જવા પામી હતી. હાજર રહેલા વેપારી મંડળ તેમજ સંસ્થાઓ દ્વારા રોષપૂર્વક જણાવાયું હતું કે મહાપાલિકાને માત્ર મિલકત સીલ કરવામાં જ રસ હોય તેવી રીતે કાર્યવાહી થઈ રહી છે. તંત્રને અમારી હેરાનગતિની કશી પડી જ નથી !
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા, સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનના સીઈઓ પુરુષોત્તમ પીપરીયા, ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી નૌતમભાઈ બારસીયા, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા સહિતના દ્વારા મ્યુનિ.કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે જે પ્રકારે કાર્યવાહી કરાઈ રહી છે તેના કારણે સૌમાં ભય ફેલાઈ ગયો છે. સીલ કરવા આવનાર ટીમ દ્વારા વેપારીઓએ કોઈ ગુનો કરી નાખ્યો હોય તેવી રીતે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે.
વધુમાં જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર-૨૦૨૩ ફાયરના પરિપત્રનો લોકો તેમજ મ્યુનિ.અધિકારી-પદાધિકારીઓને ખ્યાલ જ હોવાને કારણે અરાજક્તાઓ ઉભી થઈ ગઈ છે. અનેક શાળાઓ, હોસ્પિટલો તેમજ અન્ય જરૂરી એકો દ્વારા ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ એપ્લાય થયા છે આમ છતાં તેની રસિદ જોયા વગર સીધું સીલ લગાવાઈ રહ્યું છે. મહાપાલિકા દ્વારા કોઈ પ્રકારની એસઓપી જાહેર કરવામાં આવી નથી અને વોર્ડવાઈઝ અલગ-અલગ અર્થઘટન થઈ રહ્યું છે. ફાયર એનઓસી કે સાધનો ઈન્સ્ટોલ કરવા માટે નોટિસ આપ્યા વગર જ સીલ મારી દેવાય છે તે બિલકુલ વ્યાજબી નથી. જીડીસીઆરનું અમલીકરણ ગ્રામ પંચાયત, રૂડા તેમજ મહાપાલિકામાં અર્થઘટન એકદમ અલગ-અલગ થઈ રહ્યું છે. આ સહિતની ૧૧ મુદ્દાની રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી હતી.