રાજકોટ જિલ્લામાં 16000 હેકટરમાં આગોતરું વાવેતર કરતાં ખેડૂતો
પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોએ કપાસ અને મગફળીનું કર્યું વાવેતર: મગફળીનું સૌથી વધુ ઉપલેટા તાલુકામાં તો કપાસનું જેતપુર તાલુકામાં સૌથી વધુ વાવેતર કરાયું
રાજકોટ જિલ્લામાં પિયાતની સુવિધા ધરાવતા ખેડૂતોએ ચોમાસા પહેલા જ આગોતરું વાવેતર કરી દીધું છે. જિલ્લાના તમામ 11 તાલુકામાં ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે. દરેક તાલુકામાં કરવામાં આવેલા આગોતરા વાવેતરમાં મગફળી અને કપાસનું વાવેતર કરાયું છે.
ચોમાસાને હવે ગણતરીના જ દિવસો બાકી છે તેવામાં રાજકોટ જિલ્લાના ખેડૂતો દ્વારા ખરીફ પાકનું આગોતરું વાવેતર કરી દેવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે ચાલુ વર્ષે તા.6/6/2024ની સ્થિતીએ ખરીફ પાકમાં જિલ્લામાં કુલ 16002 હેકટરમાં ખેડૂતો દ્વારા ચોમાસા પહેલા જ આગોતરું વાવેતર કરી દેવામાં આવ્યું છે. જે ખેડૂતોને પિયત સાગવડતા છે તેવા ખેડૂતો દ્વારા કપાસ અને મગફળીની વાવેતર કરાયું છે.
જિલ્લામાં ચોમાસા પહેલા આગોતરા વાવેતરની વાત કરવામાં આવે તો મગફળીનું સૌથી વધુ 9538 હેકટરમાં અને કપાસનું 5684 હેકટરમાં વાવતર થયું છે. તાલુકા મુજબ મગફળીનું સૌથી વધુ વાવેતર ઉપલેટા તાલુકામાં 2700 હેક્ટર, ધોરાજીમાં 2400 હેક્ટર, ગોંડલમાં 1800 જ્યારે જેતપુર તાલુકામાં 1350 હેકટરમાં થયું છે. જ્યારે કપાસનું સૌથી વધુ જેતપુર તાલુકામાં 1650, ઉપલેટામાં 1520 અને ધોરાજીમાં 1310 હેકટરમાં વાવેતર થયું છે. આમ ચોમાસા પહેલા જ જિલ્લાના પિયતની સગવડતા ધરાવતા ધરતીપુત્રો દ્વારા જિલ્લામાં કુલ 16002 હેકટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે.