રાજકોટમાં ચાંદીપુરા વાઇરસને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું
જિલ્લાના તમામ ટીએચઓ સાથે વીસી મારફત બેઠક કરતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી: આંતરિયાળ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવા સૂચના
રાજ્ય સહિત રાજકોટમાં પણ ચાંદીપુરા વાઇરસે ચિંતા ફેલાવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસને કારણે 5 બાળકના મોત થતાં આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે. તેવામાં ગુરુવારે સાંજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ તાલુકા હેલ્થ ઓફિસરો તેમજ ખાનગી હોસ્પિટલોના ડોકટરો બેઠક યોજવામાં આવી હતી.
રાજકોટમાં પણ ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ સામે આવતા ચિંતા ફેલાઈ છે. આવા સમયે રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા અધિકારી ડો.પી.કે.સિંઘે જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાઇરસને લઈને ગુરુવારે પીડિયું મેડિકલ કોલેજમાં ખાનગી હૉસ્પિટલોના ડોકટરો અને સરકારી ડોકટરો સાથે 8 વાગ્યે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા જો કોઈ બાળકને ચાંદીપુર વાઇરસના અથવા તો તેના જેવા લક્ષણો દેખાય તો તેવા કેસમાં ગંભીરતા દાખવી સારવાર કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત સાંજે 6 વાગ્યે વીસી દ્વારા તમામ તાલુકા હેલ્થ ઑફિસરો સાથે પણ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાડી વિસ્તારમાં રહેલા લોકોના ઘરે દવાનો છંટકાવ કરવા વગેરે જેવી સૂચનાઓ આપવામાં આવી હતી.