જસદણના ગોખલાણા ગામે તાવો ખાધા બાદ 350 લોકોને ઝાડા-ઉલ્ટી
તાવા પ્રસાદ આરોગ્યા બાદ સામુહિક અસર થતા દોડાદોડી: કલેકટર તંત્ર દોડતું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રિપોર્ટ મંગાવ્યો
રાજકોટ : જસદણ તાલુકાના ગોખલાણા ગામે સોમવારે રાત્રીના માતાજીના તાવા-પ્રસાદના આયોજન બાદ ફુડપોઇઝનિંગની અસર થતા ગામના બાળકો, મોટેરાઓ સહીત 350થી 400 લોકોને ઝાડા ઉલ્ટીની અસર થતા જસદણ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ટૂંકા પડ્યા હતા, ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેકટર તંત્રએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગેને દોડતો કર્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના નાના એવા ગોખલાણા ગામે આવેલ બાવળવાળી મેલડી માતાના મંદિરે દર વર્ષ ગામ લોકો દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવે છે જે અન્વયે સોમવારે સમસ્ત ગ્રામજનો દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરી ધુવાડા બંધ ગામ જમણ માટે પ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામજનોએ ચાપડી,શાક,સંભારો અને છાશનો પ્રસાદ લીધો હતો. જે બાદ સાંજે ધીમે ધીમે અનેક લોકોએ ઝાડા-ઉલટી ની ફરિયાદ કરી હતી.
બાદમાં રાત્રી સુધીમાં પાંચ થી લઇ બાર વર્ષના બાળકોથી લઈ મોટેરાંઓમાં પણ ઝાડા-ઉલ્ટીની ફરિયાદો મળી હતી અને બીમાર લોકોને જસદણ સહિતના ગામોમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા સાથે જ ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાવા લાગી હતી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ અંદાજે 350થી 400 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું જણાવ્યું હતું.
ગ્રામપંચાયત અને તાલુકા પંચાયત દ્વારા રિપોર્ટ કરાયો
જસદણ તાલુકાના ગોખલાણા ગામે એક સાથે અનેક લોકોને ઝાડા-ઉલ્ટીની અસર બાદ કલેકટર તંત્ર દ્વારા તપાસના આદેશ કરવામાં આવતા જસદણ તાલુકા પંચાયત દ્વારા આ ઘટનામાં 102 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી હોવાનો જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.