યુનિફોર્મ સિવિલ કોડ મામલે રાજકોટમાં 24મી માર્ચે મહત્વની બેઠક
ખાસ કમિટી રાજકોટમાં ધાર્મિક વડા, સાંસદ અને ધારાસભ્યોના અભિપ્રાય લેવાશે
રાજકોટ : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે રચાયેલી પાંચ સભ્યોની કમિટીની એક ટીમ આગામી તા.24 માર્ચના રોજ રાજકોટ આવી રહી છે. રાજકોટની મુલાકાત દરમિયાન સમાન નાગરિક સંહિતાની આ બે સભ્યોની ટીમ ધાર્મિક સંસ્થાઓના વડા, સાંસદ, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ પાસેથી કાયદાને લઈ અભિપ્રાય મેળવી સરકારને રિપોર્ટ સુપરત કરનાર હોવાનું જાણવા મળે છે.
કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. વિવિધ ધર્મના આધારે હાલમાં વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, બીજી તરફ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા અમલી બનાવવા ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત જજ રંજનાબેન દેસાઈના અધ્યક્ષ સ્થાને પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જે રાજ્યના તમામ જિલ્લામાથી અભિપ્રાય મેળવી સરકારને રિપોર્ટ કરશે.
દરમિયાન સમાન નાગરિક સંહિતાની અમલવારીને લઈ અભિપ્રાય મેળવવા યુસીસી કમિટીના દક્ષેશ ઠાકર અને ગીતા શ્રૌફ આગામી તા.24 માર્ચના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટની મુલાકાત દરમિયાન કમિટીની ટિમ રાજકોટના ઉચ્ચ અધિકારીઓ તેમજ ધારાસભ્યો, સાંસદ તેમજ વિવિધ ધાર્મિક સ્થાનના વડાઓ સાથે બેઠક યોજી સમાન નાગરિક ધારા અંગે અભિપ્રાય મેળવશે. વધુમાં રાજકોટ ખાતે યુનિફોર્મ સિવિલ કોર્ડની કમિટીના મેમ્બર કલેકટર કચેરી ખાતે બેઠક યોજશે, હાલમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ ધાર્મિક સંગઠનના વડાઓને બેઠકમાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.
રાજ્યની યુસીસી કમિટીના સભ્યો
રંજના દેસાઇ, સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ
આર.સી.કોડેકર, સિનિયર વકીલ
એલ.સી.મીના, નિવૃત આઈએએસ
દક્ષેશ ઠાકર પૂર્વ વાઇસ ચાન્સલર
ગીતા શ્રૌફ, સામાજિક કાર્યકર