રાજકોટની ઝોનલ કચેરીઓમાં હેલ્પ ડેસ્કનો અમલ કાગળ પર: અરજદારોની સ્થિતિ દયનીય
ઈ-ધરાથી માંડી વિધવા સહાયના ફોર્મ ભરવા માટે વચેટિયાઓનો સહારો લેવો પડે છે
અરજદારોને ફોર્મ ભરવાથી માંડી અન્ય કામગીરી માટે એક માત્ર આધાર જનસેવા કેન્દ્ર: મામલતદારની કચેરીઓમાં કોઈ વ્યવસ્થા જ નથી
રાજકોટ શહેરની જુદી-જુદી મામલતદાર કચેરીઓમાં અરજદારોને કામગીરી માટે રઝળપાટ કરવી પડે છે. લાંબા સમયથી રાશન કાર્ડ તેમજ ઈ-ધરામાં જરૂરી નકલ મેળવવા માટે આવતા અરજદારોને હાલાકી ભોગવવી પડતી હોય આવા સંજોગોમાં તંત્ર દ્વારા હેલ્પ ડેસ્કનો અમલ ફક્ત કાગળ ઉપર સીમિત રહી ગયો હોય તેવો માહોલ સર્જાયો છે. મોટાભાગે કચેરીઓમાં અરજદારો રાશન કાર્ડ તેમજ વિધવા સહાયના ફોર્મ ઉપરાંત અન્ય જરૂરી કામગીરી માટે આવે છે ત્યારે તે લોકોને કચેરી તરફથી ઉડાવ જવાબ મળે છે. જેના પગલે ના-છૂટકે વચેટિયાઓનો સહારો લેવો પડે છે.
રાજકોટ શહેરની જૂની કલેકટર કચેરીમાં લાંબા સમયથી ગેરકાયદેસર પિટિશન રાઇટરોનો રાફડો ફાટ્યો છે અને લાયસન્સ વગર અરજદારો પાસેથી રાશન કાર્ડ સહિતની કામગીરી માટે ફોર્મ ભરવાથી માંડી કામ કરાવી આપવાના ઓઠા હેઠળ મો માંગી રકમ પડાવી લેવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં અમુક આવા લેભાગુ સકશો દ્વારા અરજદારો પાસેથી રાશન કાર્ડની કામગીરી માટે મોટી રકમ લઈ લીધા બાદ રાતોરાત કચેરીમાંથી પલાયન થઈ ગયા હોવાની ફરિયાદો બહાર આવી છે અને અરજદારો બે રોકટોક લૂંટાઈ રહ્યા છે ત્યારે મામલતદારની કચેરીમાં આવેલી વિવિધ ઝોનલ શાખામાં આવતા વચેટિયાઓને રોકવા જરૂરી બની ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂની કલેકટર સહિતની મામલતદાર કચેરીઓમાં આવા લેભાગુ સકશો અરજદારો પાસેથી કોઈપણ સરકારી કામગીરી માટેના ફોર્મ ભરવા માટે રૂપિયા 50 થી 100 અને વિધવા સહાયના ફોર્મ ભરી તેની મંજૂરી માટે 2000 થી માંડી 5000 પડાવતા હોવાની વ્યાપક ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી.