રામાપીર ચોકડી પાસે ખાનગી પ્લોટમાં બેફામ ગંદકી: ૧૦,૦૦૦નો દંડ વસૂલાયો
ઓમ પેટ્રોલ પમ્પની બાજુના પ્લોટમાં ગંદકી સાફ જ ન થઈ રહી હોય આખરે હિંમત લોઢિયા પાસેથી દંડ વસૂલી કરાયેલી સફાઈ
મહાપાલિકા દ્વારા સફાઈને લઈને જરા અમથી કચાશ ન રહી જાય તેનું ધ્યાન રાખી સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સાથે સાથે જ્યાં જ્યાં ગંદકી દેખાય ત્યાં સફાઈની સાથે ગંદકી કરનારા પાસેથી દંડ પણ વસૂલાઈ રહ્યો છે. આવી જ માથું ફાડી નાખે તેવી ગંદકી વૉર્ડ નં.૧માં રામાપીર ચોકડી પાસેના એક ખાનગી પ્લોટમાં જોવા મળતાં તેના માલિક પાસેથી ૧૦,૦૦૦નો દંડ વસૂલવામાં આવતાં ગંદકી કરનારા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા `સ્વચ્છતા એ જ સેવા’ અભિયાનના ભાગરૂપે અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે રામાપીર ચોકડી પાસે ઓમ પેટ્રોલ પમ્પની બાજુના ખાનગી માલિકીના પ્રાઈવેટ પ્લોટમાં ગંદકી જોવા મળતાં તેના માલિક હિંમત લોઢીયા પાસેથી ૧૦,૦૦૦નો દંડ વસૂલી તાત્કાલિક પ્લોટની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
ચુનારાવાડ ચોક પાસે ડિલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ શોપ સીલ
ગંદકી ફેલાવતી ચા-પાનની દુકાનો-હોટેલો સીલ કરવામાં આવી રહી છે જે અંતર્ગત મહાપાલિકા દ્વારા વૉર્ડ નં.૧૫ના ચુનારાવાડ ચોક પાસે આવેલી ડિલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ શોપ કે જેને વારંવાર નોટિસ છતાં સફાઈ કરવાનું નામ લેવામાં આવતું ન હોય આખરે તેને સીલ કરી દેવામાં આવી હતી.
વધુ ૨૮ ટન કચરો, ૩૭ને દંડ, ૬.૨ કિલો પ્લાસ્ટિક જપ્ત
સફાઈ અભિયાન અંતર્ગત મહાપાલિકા દ્વારા ત્રણેય ઝોનની સફાઈ કરીને વધુ ૨૮ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગંદકી ફેલાવતાં ૩૭ લોકોને દંડ ફટકારાયો હતો તો ૬.૨ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
