આઈ શ્રી કૂવાવાળી ખોડિયાર માતાજી
રાજકોટના લક્ષ્મીવાડી સ્થિત મંદિરમાં આવેલો કૂવો દુકાળમાં પણ નતો થયો ખાલી
વર્ષ 1975માં થઈ હતી મંદિરની સ્થાપના: ત્રણ ગુપ્ત નવરાત્રી, બટુક ભોજન, માતાજીનો માંડવો સહિતના ઉત્સવોની થાય છે ધામધૂમ પૂર્વક ઉજવણી: માતાજીને ધરવામાં આવતી સાડી ગરબીની બાળાઓને પ્રસાદી સ્વરૂપે અપાય છે ભેટ
રાજકોટની લક્ષ્મીવાડીમાં આઈ શ્રી કૂવાવાળી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. જેની સ્થાપના વર્ષ 1975માં કરવામાં આવી હતી. લક્ષ્મીવાડીમાં આવેલા આ ખોડિયાર માતાજીના મંદિરમાં એક કૂવો આવેલો છે જેનું પાણી ક્યારેય ખાલી થયું ન હોવાનું કહેવાય છે. જ્યારે દુકાળ પડ્યો હતો તે સમયે પણ આસપાસના વિસ્તારોના લોકોને આ જ કૂવા દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.
શહેરની લક્ષ્મીવાડી વિસ્તારમાં સોસાયટીના લોકો દ્વારા જ 1975માં અખાત્રીજના દિવસે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે ગુરુ રામપ્રસાદ બાપુ કે જે વૈષ્ણવ દિગંબર અખાડાના મુખ્યા હતા તેઓ પુજા કરતાં હતા. જેમ જેમ સમય ગયો તેમ તેમ મંદિરનો વિકાસ થયો. આજે આ મંદિરમાં ખોડિયાર માતાજી ઉપરાંત રામનાથ મહાદેવ, અંબાજી માતાજી, ગાયત્રી માતાજી, બુટ ભવાની માતાજી તેમજ ગુરુજીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે.
મંદિર અંગે જણાવતા અહીંના સેવક શૈલેષભાઈએ કહ્યું હતું કે, ખોડિયાર માતાજી ઉપર આ વિસ્તારના લોકોને ખૂબ જ શ્રદ્ધા છે. લોકો હાથ-પગના દુ:ખાવા હોય તો તેની માનતા રાખે છે. માનતા પૂરી થયા બાદ ભક્તો લાકડાના હાથ પગ માતાજીને ધરાવે છે. ઉપરાંત સાડી, ચુંદડી, લાપસી સહિતનો પ્રસાદ ધરાવાય છે. હાલ મંદિરમાં માનસદાસ બાપુ પુજા કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, મંદિરમાં જે કૂવો આવેલો છે તે 100 વર્ષ કરતા પણ વધુ જૂનો છે. દુકાળ સમયે આ વિસ્તારમાં આવેલા 200 ક્વાટર ઉપરાંત આસપાસના વિસ્તારના લોકોને આ કૂવામાંથી જ પાણી પૂરું પાડવામાં આવ્યૂ હતું. મંદિરમાં આસો માસની નવરાત્રી ઉપરાંત વર્ષની ત્રણ ગુપ્ત નવરાત્રી પણ ઉજવાય છે. જ્યારે માતાજીનો માંડવો પણ થાય છે. તેમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને અંદાજે 25 હજારથી વધુ ભક્તો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત સમૂહલગ્ન, અસાઢી બીજના દિવસે બટુક ભોજન પણ કરાવવામાં આવે છે.
મંદિરમાં મોટી સંખ્યામાં શસ્ત્રો પણ છે. જે રામપ્રસાદજી બાપુએ જાતે જ બનાવ્યા છે. જ્યારે મંદિરમાં જ ગૌશાળા પણ છે. જેમાં 8 જેટલી ગાયોની સાર-સંભાળ રાખવામાં આવે છે. આ મંદિરમાં માતાજી ઉપર ભક્તોને અતૂટ વિશ્વાસ છે. જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે કોઈને કોઈ ભેટ પ્રયાદ રૂપે ધરાવે છે. ત્યારે એક ભક્તની માનતા પૂર્ણ થતાં તેમણે ખોડિયાર માતાજીને 13 તોલા સોનાનો મુગટ અર્પણ કર્યો હતો.
મંદિરના પટાંગણમાં થાય છે ગરબી
આઈ શ્રી કૂવાવાળી ખોડિયાર મંદિરમાં વિશાળ પટાંગણ છે. જ્યાં નવરાત્રી દરમિયાન ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં 53 બાળાઓ ગરબે રમી માતાજીની આરાધના કરે છે. બાળાઓને લ્હાણી સહિત મંદિરમાં ભક્તો દ્વારા માતાજીને જે સાડી ધરવામાં આવે છે તે આ બાળાઓને પ્રસાદી રૂપે આપવામાં આવે છે. ઉપરાંત આસપાસમાં થતી અન્ય ગરબીમાં પણ દીકરીઓને સાડી આપવામાં આવે છે.