આવાસ કૌભાંડ નડ્યું: કોર્પોરેટર વજીબેન-દેવુબેન ૬ વર્ષ માટે સસ્પેન્ડ
કોર્પોરેટર તરીકે યથાવત રહેશે: બન્ને કોર્પોરેટરે આપેલો બાલીશ' ખુલાસો માન્ય ન રહ્યો વોઈસ ઓફ ડે, રાજકોટ શહેરના વોર્ડ નં.૬માં આવેલી ગોકુલનગર આવાસ યોજનામાં
કારીગરી’ કરીને ગરીબોના હક્કના ૨૩ જેટલા આવાસ મળતિયાઓને અપાવી દેવાના કૌભાંડમાં ભાજપે આકરી કાર્યવાહી કરતાં વોર્ડ નં.૫ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નં.૬ના દેવુબેન જાદવને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ કૌભાંડમાં મહિલા નગરસેવિકાઓના પતિએ કાળા હાથ કર્યા હોવાનું ધ્યાન પર આવતાં જ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ બન્ને કોર્પોરેટર તરીકે યથાવત રહેશે.
આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું કે આ પ્રકરણની તપાસ ચાલી રહી છે પરંતુ તેમાં બન્ને નગરસેવિકાના પતિ મનસુખ જાદવ અને કવા ગોલતરની સંડોવણી ધ્યાન પર આવતાં જ પક્ષે સસ્પેન્શનનું પગલું ઉઠાવ્યું છે. આ બન્ને કોર્પોરેટરોને જવાબ આપવા માટે ૪૮ કલાકનો સમય આપવામાં આવ્યો હતો જેમાં તેમણે આ મુદ્દે ખુલાસો પણ કર્યો હતો પરંતુ તે ખુલાસો અત્યંત બાલીશ જણાયો હોવાથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હવે આ બન્ને ભાજપ કે મહાપાલિકાના એક પણ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મુદ્દે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલી રહી હોવાથી જો પોલીસ ફરિયાદ થશે તો બન્ને કોર્પોરેટરોએ પદ પરથી રાજીનામું પણ આપવું પડી શકે છે. આ સાથે જ મહાપાલિકાના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે ભાજપના જ કોર્પોરેટરોને ભાજપે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હોય !!