‘ડેંગ્યુના ભયાનક રાસ’: વધુ ૩૨ દર્દી: એકને ભરખી ગયો
તહેવારો ટાણે જ રોગચાળાએ માજા મુકી: ટાઈફોઈડની પણ સતત આગેકૂચ: શરદી-ઉધરસ-તાવના કેસ તો ઘટવાનું નામ જ નથી લેતાં
નવલી નવરાત્રિ એકદમ ઢુકડી આવી ગઈ છે ત્યારે રાસરસિકો રીતસરના થનગની રહ્યા છે. જો કે રાસરસિકો રાસ લેવાનું શરૂ કરે તે પહેલાં જ ડેંગ્યુએ
ભયાનક રાસ’ શરૂ કરી દેતાં ગજબનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એક જ સપ્તાહની અંદર રાજકોટમાં ડેંગ્યુના ૩૨ કેસ મળ્યા છે તો વધુ એક દર્દીનું ડેંગ્યુને કારણે મૃત્યુ થતાં રોગચાળાની રફ્તાર લોકોને રીતસરની ડરાવી રહી છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે તા.૨૩-૯-૨૦૨૪થી તા.૨૯-૯-૨૦૨૪ સુધીના સાત દિવસ દરમિયાન ડેંગ્યુના ૩૨ કેસ મળ્યા છે. આ સાથે જ તા.૧-૧-૨૦૨૪થી તા.૨૯-૯-૨૦૨૪ સુધીમાં ડેંગ્યુના ૨૨૨ દર્દી નોંધાઈ ચૂક્યા છે. આ સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત ટાઈફોઈડ તાવના ૪ દર્દી નોંધાયા છે જેથી આ વર્ષના કુલ ૭૧ દર્દી થઈ ગયા છે.
શરદી-ઉધરસના કેસની વાત કરવામાં આવે તો સાત દિવસમાં ૧૧૭૪ દર્દી નોંધાયા છે તો સામાન્ય તાવના ૬૩૭ અને ઝાડા-ઊલટીના ૨૩૦ દર્દી મળ્યા છે.
દરમિયાન ડેંગ્યુએ વધુ એક વ્યક્તિનો ભોગ પણ લીધો છે જેની વિગતો પ્રમાણે ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર બાલાજી હોલ પાછળ ઋષિવિલામાં રહેતા બસંત અતિનભાઈ પોઢ (ઉ.વ.૩૨) નામના યુવાનનું ડેંગ્યુને કારણે મૃત્યુ થયું છે. બસંત પોઢ મુળ ઓરિસ્સાનો રહેવાસી હતો અને આઠ દિવસ પહેલાં જ મજૂરી કામ માટે આવ્યો હતો. જો કે છેલ્લા ચાર દિવસથી તેને તાવ આવી રહ્યો હોય તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો જ્યાં ડેંગ્યુની અસર થતાં મોત નિપજ્યું હોવાનું નોંધવામાં આવ્યું છે.