રાજકોટમાં વધુ ૨૬ CNG બસ દોડશે: એઈમ્સ સહિતના ચાર નવા રૂટ: ૬ રૂટ પર સંખ્યા વધારાઈ
૯૯ ઈલેક્ટ્રિક અને ૭૮ સીએનજી બસ કાર્યરત થઈ જતાં બ્લુ કલરની ડિઝલ બસ `ગાયબ’
હવે ભક્તિનગર સર્કલથી એઈમ્સ, પ્રદ્યુમન પાર્કથી સૌ.યુનિ., ગોંડલ ચોકડીથી અર્પિત કોલેજ અને ત્રિકોણ બાગથી બેડી ચોકડી જઈ શકાશે
રાજકોટમાં વસતી, વાહન અને વિસ્તાર એમ ત્રણેયમાં ધરખમ વધારો થઈ રહ્યો હોવાથી જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે લોકો જાહેર પરિવહન તરફ વળી રહ્યા છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા સિટી બસની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજકોટમાં બ્લુ કલરની ડિઝલ બસ દોડતી હતી પરંતુ તે અત્યંત ખખડી ગયેલી હોવાને કારણે ધૂમાડો નહીં બલ્કે પ્રદૂષણ ઓકી રહી હોય તેને તબક્કાવાર હટાવી દેવામાં આવી હતી. દરમિયાન મનપા દ્વારા વધુ ૨૬ સીએનજી બસ મુકવામાં આવી છે સાથે સાથે ચાર નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે તો છ રૂટ પર બસની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી શહેરના અલગ-અલગ રૂટ ઉપર ૫૨ સીએનજી બસ દોડતી હતી જેમાં ૨૬નો વધારો થતાં આ સંખ્યા ૭૮એ પહોંચી છે. જ્યારે ૯૯ ઈલેક્ટ્રિક બસ અત્યારે કાર્યરત છે. આ બન્ને સેવા મળી દરરોજ ૫૦,૦૦૦થી વધુ શહેરીજનો તેનો લાભ લઈ રહ્યા છે.
દરમિયાન મહાપાલિકા દ્વારા ચાર નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે જે પ્રમાણે ભક્તિનગર સર્કલથી એઈમ્સ હોસ્પિટલ (રૂટ નં.૮૨) ઉપર દરરોજ બે બસ, પ્રદ્યુમન પાર્કથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (રૂટ નં.૮૫) પર દરરોજ બે બસ, ગોંડલ ચોકડીથી અર્પિત કોલેજ (રૂટ નં.૮૮) પર દરરોજ બે બસ અને ત્રિકોણ બાગથી બેડી ચોકડી (રૂટ નં.૯૨) ઉપર દરરોજ બે બસ દોડશે.
આ ઉપરાંત છ રૂટ એવા છે જ્યાં કાયમી ટ્રાફિક રહેતો હોવાથી ત્યાં વધારાની ૧૨ નવી બસ ઉમેરવામાં આવી છે જેથી હવે ત્રિકોણ બાગથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કોઠારિયા ગામથી આઈટીઆઈ (ખીરસરા), સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ત્રંબા ગામ, આજીડેમથી જીઆઈડીસી ગેઈટ-૩, ત્રિકોણ બાગથી જીઆઈડીસી ગેઈટ અને કોઠારિયા ગામથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રૂટ ઉપર દરરોજ બેના બદલે ચાર બસ લોકોને મળશે.