ગુજ્જુઓની સવાર-રાત થેપલા-સૂકી ભાજી વગર અધૂરી…!
૨૪ કેરેટ સોનાના દાગીના બાદ આ વાનગી પણ આપણું' ઘરેણું જ ગણવી પડે
તહેવાર હોય કે ન હોય સવારે નાસ્તાની થાળીમાં થેપલા ન હોય એટલે ઘણાનો દિવસ જાય છે
મોળો’
સૂર્યકાંતના થેપલા હોય કે જામનગર રોડ પર રાજુ રવેચીના થેપલા હોય સવાર-સાંજ સ્વાદશોખીનોનું ઉભરાય છે કીડિયારું
દહીં, તીખી ચટણી અને આથેલા મરચાનો ચટાકો' હોય એટલે મજા હી મજા...
હવે તો અન્ય રાજ્યના લોકો પણ થેપલા-સૂકી ભાજીના થઈ ગયા છે
બંધાણી’
વાંચકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા હોય છે તે વોઈસ ઓફ ડે'ની
ફૂડ એક્સપ્રેસ’ આ સપ્તાહે આપણી' પોતાની વાનગી જે વર્ષોથી ઘર-ઘરમાં બને છે અને ખવાય છે તે થેપલા-સૂકી ભાજીની વાનગી પીરસવા માટે આવી પહોંચી છે. વ્યક્તિએ જ્યારે પોતાના શરીર પર ૨૪ કેરેટ સોનાના દાગીના પહેર્યા હોય ત્યારે તેનો
વટ’ કંઈક અલગ જ પ્રકારનો હોય છે તેવી જ રીતે આપણા ગુજ્જુઓ જ્યારે થેપલા-સૂકી ભાજીની વાત કરતા હોય ત્યારે તેનો વટ પણ કંઈક એવો જ હોય છે. એકંદરે આપણે થેપલા-સૂકી ભાજીની વાનગીને ઘરેણું' તો ગણવું જ પડે જેનો ઈનકાર લગભગ કોઈ કરી શકે તેમ નથી. રાજકોટ જ નહીં બલ્કે ભારત અને વિદેશમાં રહેતા ગુજ્જુઓની સવાર અને રાત થેપલા-સૂકી ભાજી વગર અધૂરી જ ગણાશે ! જન્માષ્ટમીનો તહેવાર હોય કે પછી બીજો કોઈ પ્રસંગ હોય...સવારે નાસ્તાની થાળીમાં ગુજ્જીને થેપલા ન મળે એટલે તેનો દિવસ
મોળો’ જ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. રાજકોટમાં આમ તો ઠેર-ઠેર થેપલા સૂકી-ભાજીની વાનગી મળે છે પરંતુ સૌથી વધુ ફેમસ જો કોઈ હોય તો તે સૂર્યકાંતના થેપલા-સૂકી ભાજી છે. એક સમય હતો કે જ્યારે અહીં જેવા થેપલા બીજે ક્યાંય મળતાં ન્હોતા પરંતુ હવે એ સમય વીતી ગયો છે અને દાઢે વળગી જાય તેવા થેપલા-સૂકી ભાજી અન્ય સ્થળોએ પણ મળવા લાગ્યા છે. આવી જ એક જગ્યા જામનગર રોડ ઉપર એઈમ્સ હોસ્પિટલ પાસે મૈસુર ભગત ચોક પાસે રવેચી નાસ્તા સેન્ટર નામની જગ્યા છે જેના થેપલા-સૂકી ભાજી અને આલુ પરોઠા દાબવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે.
મુળ ઉત્તર પ્રદેશના અને વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયેલા યોગીભાઈએ જણાવ્યું કે તેમના દાદાએ રાજકોટમાં થેપલા-સૂકી ભાજી વેચવાનું શરૂ કર્યું હતું જેને આજે નવ વર્ષ થઈ ચૂક્યા છે. જો કે છેલ્લા ચારેક મહિનાથી જામનગર રોડ ઉપર થેપલા-સૂકી ભાજીનું વેચાણ કરી રહ્યા છે. અહીં લોકો આરામથી બેસીને જમી શકે તે માટે ખાટલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્યારે થેપલા-સૂકી ભાજીની એક પ્લેટમાં ચાર થેપલા, દહીં, સૂકી ભાજી અને ચટણી પીરસવામાં આવે છે જે એક પ્લેટ ખાધાં બાદ પેટ ભરાઈ જવાની ગેરંટી છે. જો કે જ્યાં સુધી ચાર થેપલા પૂરા ન થાય ત્યાં સુધી સૂકી ભાજી અને દહીં પીરસવામાં આવી રહ્યા છે ! મોટાભાગે સવારે અને રાત્રે વધુ સંખ્યામાં લોકો અહીં નાસ્તો કરવા માટે આવતા હોય છે. રાજકોટીયન્સ માટે દહીં, તીખી ચટણી અને આથેલા મરચાનો `ચટાકો’ હોય એટલે મજા હી મજા પડી જાય તેવી સ્થિતિ છે.
દુબઈ જાય કે અમેરિકા, લંડન જાય કે મલેશિયા…થેપલા તો સાથે હોવા જ જોઈએ…!
રાજકોટ સહિત ગુજરાતીઓ દુબઈ, અમેરિકા, લંડન, થાઈલેન્ડ, મલેશિયા સહિતના દેશોમાં ફરવા માટે અથવા તો કામસર જતા હોય છે. વિદેશમાં આમ તો દરેક પ્રકારની વાનગી ઉપલબ્ધ હોય છે પરંતુ ઘણા સ્વાદશોખીનો એવા હોય છે જેમને થેપલા વગર ચાલતું જ ન હોય તેઓ એરટાઈટ પેકિંગ કરીને પાર્સલ કરી રાખે છે જેથી કરીને વિદેશમાં તેમને ભાવતાં ભોજનીયા ન મળે તો થેપલા ખાઈને પણ દિવસ પસાર કરી લ્યે છે. કોઈ પણ દેશમાં ફરવા જઈએ પરંતુ થેપલા તો સાથે હોવા જ જોઈએ તેવી એક `આદત’ ગુજ્જુઓને પડી ગઈ છે.
એક સમય હતો જ્યારે….
રાજકોટમાં થેપલા વર્ષોથી વેચાઈ રહ્યા છે ત્યારે શરૂઆતમાં તેની પ્લેટ એકાદ-બે રૂપિયામાં મળતી હતી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો અને વાનગી લોકપ્રિય થતી ગઈ તેમ તેમ ભાવમાં પણ વધારો થતો ગયો અને આજે થેપલાની પ્લેટ ૬૦થી ૭૦ રૂપિયામાં પડી રહી છે. જો કે કિંમત જોઈને ખાણીપીણીની જ્યાફત ઉડાવે તો એ રાજકોટીયન્સ ન કહેવાયની કહેવત માફક અત્યારે લોકોને મસ્ત-મજાના ટેસ્ટી થેપલા જોઈએ, કિંમતનું તો પછી જોઈ લેશું તેવી માનસિકતા બંધાઈ ગઈ છે.
રાત્રે ૧ વાગ્યો હોય કે ૨…કંઈ ન મળે કે ન મળે, થેપલા તો મળી જ જાય !
રાજકોટ રંગીલું શહેર છે એટલે અહીં ખાણીપીણીની ઘણી દુકાનો કાયદેસર અથવા તો ગેરકાયદેસર રીતે મોડી રાત સુધી ધમધમતી હોય છે જેનો લાભ લઈને સ્વાદશોખીનો રાત્રે ૧ વાગ્યો હોય કે ૨ વાગ્યા હોય ભૂખ લાગે એટલે તેમને ખબર જ હોય છે કે અહીં બીજું કશું મળે કે ન મળે પરંતુ થેપલા તો મળી જ જાય છે એટલે તેમનો સૌથી પહેલો `એટેક’ થેપલા ઉપર જ રહેતો હોય છે.