રાજકોટમાં મેટ્રો રેલવે શરુ કરવા કેન્દ્રને દરખાસ્ત
ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને મોકલ્યો ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ
વડોદરામાં પણ મેટ્રો સેવા અને અમદાવાદ મેટ્રોનાં વિસ્તરણ સહિતની ૨૫,૩૦૦ કરોડની યોજના
કેન્દ્ર મંજુરી આપે તો રાજ્ય સરકાર અડધો ખર્ચો ઉઠાવશે
અમદાવાદમાં મેટ્રો રેલ સેવા શરુ થઇ ગયા પછી હવે રાજ્ય સરકાર રાજકોટ અને વડોદરામાં પણ મેટ્રો રેલ સેવા શરુ કરવાની ઈચ્છા ધરાવે છે. આ માટે રાજ્ય સરકારે કેન્દ્રને એક પ્રોજેક્ટ રીપોર્ટ મોકલ્યો છે. આ પ્રોજેક્ટ રીપોર્ટમાં રાજકોટ અને વડોદરામાં મેટ્રો રેલ સેવા ઉપરાંત અમદાવાદ મેટ્રોનું એરપોર્ટ અને ગીફ્ટ સિટી સુધીના વિસ્તરણનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર અંદાજિત ખર્ચના 50 ટકા કેન્દ્ર સરકાર દ્વારા વહન કરવાની અપેક્ષા રાખે છે. જ્યારે તે આ ચાર પ્રોજેક્ટ માટે બાકીનું ભંડોળ એકત્ર કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એકવાર કેન્દ્ર ભંડોળ મંજૂર કરે ત્યાર બાદ રાજ્ય સરકાર પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરશે.કારણ કે ચારેય માટે ડીપીઆર પહેલેથી જ તૈયાર કરી લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ અને વાસણા-મોટેરા એમ બે કોરિડોર પર મેટ્રો સેવાઓ કાર્યરત છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડવાનું કામ અંતિમ તબક્કામાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટેરા અને ગાંધીનગર વચ્ચે મેટ્રો કામગીરી આગામી સપ્તાહમાં શરૂ થવાની ધારણા છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ગાંધીનગર મહાત્મા મંદિર સુધી વિસ્તરશે અને આ રુટ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની ધારણા છે.
અમદાવાદ 2036 ઓલિમ્પિકની યજમાની માટે સજ્જ
આ અગાઉ રાજ્ય સરકારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્થિત મણિપુરને મેટ્રો રેલ સાથે જોડવાની યોજના પણ તૈયાર કરી હતી. થલતેજને મણિપુર વાયા શિલાજ સાથે જોડવાનો પ્રોજેક્ટ મણિપુર-ગોધાવીમાં ઓલિમ્પિક વિલેજ અને નોલેજ સેન્ટર બનાવવાની રાજ્ય સરકારની યોજનાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો. કારણ કે અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરવા માટે બિડ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.