રાજકોટનાં વૈવાહિક વિવાદના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો FIR રદ કરવા આદેશ
પતિની ગર્લફ્રેન્ડ ‘સગા’ ની વ્યાખ્યામાં ન આવે, તેની સામે આરોપ લગાવી ન શકાય
પતિની પ્રેમિકા પર 498A હેઠળ ક્રૂરતાનો આરોપ લગાવી શકાય નહીં
કોઈ પતિની પ્રેમિકા સામે વૈવાહિક વિવાદનાં કેસમાં ઇન્ડીયન પીનલ કોડની કલમ 498A હેઠળ કોઈ પ્રકારની કાર્યવાહી ન થઇ શકે કારણ કે તે કાયદા મુજબ સગાની વ્યાખ્યામાં ન આવે તેમ જણાવી ગુજરાત હાઇકોર્ટે પુરુષની પત્ની દ્વારા રાજકોટના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફ.આઈ.આર રદ કરવા આદેશ આપ્યો હતો.
આ ચકચારી કેસમાં પત્નીએ રાજકોટના પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને તેની પ્રેમિકા પ્રેમી વિરુધ્ધ FIR નોંધાવી હતી. ફરિયાદી મહિલાએ એ તેના પતિ અને તેની પ્રેમિકા બંને પર મારપીટ, ધમકીઓ અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેની ફરિયાદ મુજબ, તેના પતિએ વારંવાર ધમકી આપી હતી અને કહ્યું હતું કે, “મારો એક સ્ત્રી સાથે અફેર છે. તારે મને છૂટાછેડા આપવા પડશે, નહીં તો હું તને મારી નાખીશ.”
ફરિયાદીએ દાવો કર્યો હતો કે મહિલા વારંવાર તેમના ઘરે આવતી હતી. આ મુલાકાતો દરમિયાન, તે પતિ સાથેના તેના સંબંધનો દાવો કરતી અને પત્ની પાસેથી છૂટાછેડાની માંગણી કરતી હતી. પ્રેમિકાએ કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે માનસિક અને શારીરિક તકલીફ થતી હતી.એક બે વખત તો જાહેર સ્થળે આ પતિની પ્રેમિકાએ તું પતિને છોડી દે નહિતર હેરાન કરીશ તેવી ખુલ્લી ધમકી પણ આપી હતી.
પોતાની સામે દાખલ થયેલી ફરિયાદ રદ કરવા માટે આ પ્રેમિકાએ પીટીશન દાખલ કરી હતી. આ પીટીશનની સુનાવણી દરમિયાન
મહિલાનાં વકીલે ભાર મૂક્યો હતો કે અફેરના આરોપો ઉપરાંત, તેની સામે કોઈ નોંધપાત્ર આરોપો મૂકવામાં આવ્યા નથી. વકીલે બે કેસોમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો.
આ ચુકાદાઓએ સ્થાપિત કર્યું હતું કે “પતિના સંબંધી” ની યાદીમાં પ્રેમિકાનો સમાવેશ થતો નથી. “સંબંધી” શબ્દ ફક્ત લોહી, લગ્ન અથવા દત્તક દ્વારા જોડાયેલા લોકોને આવરી લે છે. અરજદાર પાસે આમાંથી કોઈ જોડાણ ન હોવાથી, કલમ 498A લાગુ થઈ શકતી નથી. સરકારી વકીલે મહિલા સામેના અન્ય આરોપોનો ઉલ્લેખ કરીને આ અરજીનો વિરોધ કર્યો હતો.
બંને પક્ષોને સાંભળ્યા પછી, હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે, સરકારી વકીલ અરજદારનો ફરિયાદીના પતિ સાથે કોઈ સંબંધ શોધી શક્યા નથી, સિવાય કે તે પતિની ગર્લફ્રેન્ડ હતી.આવા સંજોગોમાં ફરિયાદ ટકી શકે તેમ નથી. આથી ફરિયાદ રદ કરવામાં આવે છે.