GST કૌભાંડનો આંક કરોડે પહોંચશે: વધુ સાત પકડાયા
પોલીસ જેટલી ઉંડે ઉતરી રહી છે તેટલું કૌભાંડ વધી રહ્યું છે: રાજકોટના બે શખ્સો ઉપરાંત ગાંધીનગરનો સરકારી કોન્ટ્રાક્ટર સકંજામાં
ધરપકડનો આંક ૧૨એ પહોંચ્યો, હજુ ઉમેરાશે: સાત પેઢી `રડાર’માં: ત્રણેય બ્રાન્ચના એક બાદ એક દરોડા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, આર્થિક ગુન્હા નિવારણ શાખા અને એસઓજીએ સાગમટે દરોડા પાડીને ૧૪ જેટલી બોગસ પેઢીઓ પકડી પાડ્યા બાદ એક બાદ એક તેના તાર ખુલી રહ્યા છે. આ સઘળું કૌભાંડ જીએસટીની ઈનપુટ ટેક્સ ક્રેડિટની ચોરી કરવા માટે આચરવામાં આવી રહ્યું હતું ત્યારે તેમાં સામેલ પાંચ શખ્સોને ઉઠાવી લેવાયા બાદ ઈઓડબલ્યુએ વધુ સાત લોકોને પકડી પાડ્યા હતા. આ સાથે ધરપકડનો આંક ૧૨એ પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં તેમાં ઉમેરો થવાની શક્યતા પોલીસ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીસીબી, એસઓજી અને ઈઓડબલ્યુની અલગ-અલગ ટીમ આ કૌભાંડના મુળમાં જવા માટે મથી રહી છે ત્યારે પોલીસ જેટલી આ કાંડમાં ઉંડે ઉતરી રહી છે તેટલો તેનો વ્યાપ વધી રહ્યો છે. એકંદરે ટેક્સ ક્રેડિટ ચોરીની ફરિયાદ ૬૫ લાખ જેટલી થવા પામી છે પરંતુ જેમ જેમ ધરપકડ થઈ રહી છે તેમ તેમ ખુલાસા થઈ રહ્યા છે ત્યારે રકમના આંકમાં પણ વધારો થવો નિશ્ચિત મનાય રહ્યો છે.
પોલીસે જેની ધરપકડ કરી છે તેમાં લખુભા નાનભા જાડેજા (મોટી ખાવડી-જામનગર), ગાંધીનગરના શૈલેષ ઘનશ્યામ પટેલ કે જે સરકારી કોન્ટ્રાક્ટર છે તે, પાર્થ મનોજભાઈ રોજીવાડિયા (રહે.સાધુ વાસવાણી રોડ), ગ્લોબેક્ટ્રા-શિવમમીલન પ્લાસ્ટિક (રતનપર), ભૈરોસિંહ શંકરસિંહ રાજપૂત (મુળ રાજસ્થાન, હાલ કોઠારિયા રોડ), મનિષ બળવંતભાઈ જોબનપુત્રા (રહે.જૂનાગઢ), અલ્પેશ ગોબરભાઈ હિરપરા (રહે.જૂનાગઢ) અને ફિણોજ અબ્દુલભાઈ જુણેજા (રહે.કોટડા સાંગાણી)નો સમાવેશ થાય છે. આ તમામને ટૂંક સમયમાં રિમાન્ડ પર લેવામાં આવશે.
૬થી ૧૦%ના કમિશન' માટે ચાલી રહ્યો'તો
ખેલ’
આ કૌભાંડમાં તમામ આરોપીઓ આખરે એકબીજાના સંપર્કમાં આવ્યા કેવી રીતે ? આ અંગે પોલીસ સૂત્રો પાસેથી વિગતો જાણવા મળી કે જીએસટી ચોરી માટે અત્યારે અનેક દલાલો કાર્યરત છે. આ દલાલ મારફતે જ ઉપરોક્ત તમામ લોકોનો સંપર્ક થયો હતો. એકંદરે આ સઘળો ખેલ ૬થી ૧૦%ના કમિશન માટે ચાલી રહ્યો હતો. દલાલ મારફતે એક વ્યક્તિ કે જે બનાવટી બિલ બનાવે છે તે બીજી વ્યક્તિનો સંપર્ક સાધે છે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ૧૦ લાખનું બનાવટી બિલ આપે છે. આ પછી તે બિલ લેનાર વ્યક્તિ તેના આધારે ૧૮% જીએસટી ટેક્સ રિફંડ મેળવી લ્યે છે. રિફંડ મળ્યા બાદ તે ૧૮%માંથી ૬થી ૧૦% જેટલું કમિશન બિલ બનાવનાર મેળવી લ્યે છે. આ ઉપરાંત બાકીનું કમિશન દલાલ અને બિલ બનાવવાનું કહેનાર વચ્ચે વહેંચાઈ જાય છે.