મોબાઈલ અને સોશ્યલ મીડિયાથી બાળકોને દૂર રાખવા ટૂંક સમયમાં S.O.P. સરકાર લાવશે: શિક્ષણમંત્રી પાનશેરીયા
અમરેલીમાં વિદ્યાર્થીઓની કાપા મારવાની ઘટના લાલબત્તી સમાન,ગાઈડલાઇન માટે તજજ્ઞો સાથે ચાલી રહેલી વાટાઘાટો:ટકા લાવવા સંતાનો પર પ્રેશર ન કરવા વાલીઓને ટકોર
ઓનલાઈન ગેઇમનાં ગાંડપણમાં અમરેલીમાં વિદ્યાર્થીઓએ બ્લેડથી કાપા મારવાની ઘટનાને લઈને શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ તેમની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને સરકાર દ્વારા એસ. ઓ. પી. બનાવવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે,આજનાં સમયમાં બાળકો મોબાઈલને લીધે ખતરનાક પ્રયોગો કરી જીવનું જોખમ ઉભું કરી દે છે,વીડિયો ગેઇમ અને ગેઝેટ્સના લીધે કુમળું માનસ હિંસાનાં રવાડે ચડી ગયું છે.ત્યારે બાળકોને મોબાઇલનો વધુ પડતો ઉપયોગ અટકાવા ત્રણ મહિનાથી સરકાર તજજ્ઞો સાથે વાટાઘાટો કરી રહી છે.
અમદાવાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ અમરેલીની ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયા જાહેર કરી હતી તો સાથોસાથ બાળકો ઉપર થઈ રહેલા અભ્યાસના દબાણને અટકાવવા માટે વાલીઓને પણ ટકોર કરી હતી. શિક્ષણ જરૂરી છે પણ આ માટે થઈ રહેલી સ્પર્ધામાં બાળકોને માતા પિતા દ્વારા પ્રેશર આપવામાં આવે છે તે અટકાવવા અપીલ કરી આગામી દિવસોમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે અસરકારક એસઓપી જાહેર કરશે.