સોનું 88,000 ની સપાટીને પાર: 1 મહિનામાં 10,000 મોંઘુ થયું ગોલ્ડ
આગ ઝરતી તેજીને પગલે 60 % ખરીદદારોએ ‘ખપ’પૂરતી અને જૂનું સોનું લગ્નગાળાને અનુરુપ ખરીદી કરી મન મનાવ્યું: ટૂંક સમયમાં સોનાની સપાટી 6 આંકડામાં પહોંચે તો નવાઈ નહિ..: વિશ્વવિખ્યાત રાજકોટની સોની બજારમાં “સુસ્ત”
દિવસે ને દિવસે સોનાની સપાટી નવા રેકોર્ડ પર પહોંચી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં આગ ઝરતી તેજીના પગલે 88000 ની સપાટીને પાર કરી જતા વિશ્વવિખ્યાત ગણાતી રાજકોટની સોની બજાર અત્યારે સુસ્ત હાલતમાં આવી ગઈ છે. મોટાભાગના કારીગરો અને વેપારીઓની હાલત કફોડી બની છે.

અત્યારે સૌરાષ્ટ્રમાં લગ્નગાળાની મોસમ પુર બહારમાં ખીલી રહી છે, હોળાષ્ટક બેસે તે પહેલાં 6 માર્ચ અને ત્યારબાદ વૈશાખ મહિનામાં લગ્ન માટેના અનેક મુહૂર્તો આવી રહ્યા છે અને ઘણા પરિવારોમાં પુત્ર કે પુત્રીના પ્રસંગો નિર્ધાર્યા છે જેમાં મધ્યમ વર્ગીય પરિવાર માટે હાલની પરિસ્થિતિ એ “સોનુ” ખરીદવુંએ ધોળે દિવસે સપનું જોવા સમાન બની ગયું છે.
રાજકોટની સોની બજારમાં 10,000 થી વધુ કારીગરો સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે હાલમાં તેમની પાસે ઓર્ડર ન હોવાના લીધે ઘણા કારીગરો પોતાના વતન તરફ જઈ રહ્યા છે, 24 કેરેટ ગોલ્ડમાં રોકાણ પણ ઘટ્યું છે તો 22 કેરેટ સોનાના ભાવમાં દાગીના લેવામાં ઓટ આવી છે. વધેલા ભાવની સીધી અસર ઘરાકી પર જોવા મળી છે.
બોક્સ.. બંધ બજારે સોનીબજારમાં 10 ગ્રામનો ભાવ 88,605 હતો
સોમવારે બંધ બજારે દસ ગ્રામ સોનાનો ભાવ રાજકોટની બજારમાં 88,605 નોંધાયો હતો,જ્યારે ટીડીએસ સાથેના સોનામાં 88,526 નો ભાવ હતો. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવ 10,000 જેટલો વધ્યો છે. સોની બજારના જાણીતા વેપારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં 90,000 ની સપાટી સોનું જલ્દી પાર કરી લેશે અને ટૂંકા ભવિષ્યમાં છ આંકડાએ સોનાનો ભાવ પહોંચે તો પણ હવે નવાઈ નહીં..?
બોક્સ…. લગ્ન પ્રસંગનું બજેટ વિખેરાયું,હવે ગ્રામમાં 50 ટકાનો કાપ
છેલ્લા એક મહિનાથી સોનાની સપાટી ઐતિહાસિક સ્તરએ પહોંચી છે, પુત્ર કે પુત્રી ના લગ્ન પ્રસંગમાં સોનાના દાગીના ખરીદવા અવશ્યક હોવાથી અત્યારે લોકોના પ્રસંગના બજેટ વિખેરાઈ ગયા છે. ઝવેરીઓના જણાવ્યા મુજબ જે લોકો 10 તોલા સોનુ ખરીદતા હતા તે અત્યારના ભાવમાં પાંચ તોલા સોનું ખરીદી પસંદને સાચવી રહ્યા છે, એક ગ્રામ કે બે ગ્રામ ગત મહિને 6 થી 7000 માં ગોલ્ડ આવી જતું હતું તેના બદલે અત્યારે તેના ભાવ વધતા લોકોએ ગીની,સિક્કા કે નાની વસ્તુ ગિફ્ટમાં આપતાં અચકાઈ રહ્યા છે.