હરિયાણામાં ચુંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કેવા વાયદા કર્યા ? જુઓ
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે 7 ગેરેન્ટી બાદ શનિવારે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો ‘હાથ બદલેગા હાલાત’ જાહેર કર્યો હતો. ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. તેમની સાથે કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પૂર્વ શિક્ષણ મંત્રી ગીતા ભુક્કલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ ચૌધરી ઉદયભાન પણ હાજર રહ્યા હતા.
ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે એસવાયએલ કેનાલ વિવાદ ઉકેલવાનો વાયદો કર્યો છે. ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા 700થી વધુ શહીદ ખેડૂતોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે. હિમાચલની જેમ હરિયાણામાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો વાયદો પણ હરિયાણા કોંગ્રેસે કર્યો છે. મહિલાઓને દર મહિને રૂપિયા 2 હજાર અને 25 લાખ સુધીની સારવાર મફત તેમજ મહિલાઓને સરકારી નોકરીઓમાં 33 ટકા અનામત જેવા વચન આપ્યા છે.
આ પહેલા કોંગ્રેસે હરિયાણા માટે એક સંકલ્પ પત્ર જારી કર્યો હતો. જેમાં રાજ્યના લોકોને 7 ગેરેન્ટી આપવામાં આવી હતી. ચુંટણી ઢંઢેરો હવે જાહેર કરવામાં આવ્યો છે.