સિવિલમાં હેલ્થ પરમીટનું ભૂત ધુણ્યું : વિજિલન્સ તપાસ શરૂ
પૂર્વ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના કાર્યકાળમાં દારૂના રસિયાઓને હેલ્થ પરમીટ અભિપ્રાય આપવામાં વ્યાપક ગોલમાલ
રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનેક કૌભાંડો વચ્ચે દારૂની પરમીટ માટે આપવામાં આવતા અભિપ્રાયને લઈ નવો કાંડ સર્જાયો હોવાનું અને ઉચ્ચકક્ષાએ થયેલી ફરિયાદો બાદ હાલમાં વિજિલન્સ તપાસનો ધમધમાટ શરૂ થયો હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે, બીજી તરફ વિજિલન્સ ટીમે હેલ્થ પરમીટ માટે અભિપ્રાય આપવા અંગે નિયત કરવામાં આવેલ ધારાધોરણો મુજબ અરજદાર પાસે પ્રતિ યુનિટ પ્રતિ વર્ષ રૂપિયા 5000 લેખે વસુલવામાં આવતી ફીનો હિસાબ મળી રહ્યો ન હોવાથી નશાબંધી વિભાગ પાસેથી આંકડા મેળવી ક્રોસ તપાસમાં કાંડ થયો હોવાનું સામે આવ્યું છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલના પૂર્વ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના કાર્યકાળમાં હેલ્થ પરમીટ એટલે કે સરળ ભાષામાં કહીએ તો દારૂની પરમીટ મેળવવા માટે જરૂરી તબીબી અભિપ્રાય માટે સ્થાનિક કક્ષાએ પ્રતિ યુનિટ પ્રતિ વર્ષ 5000 રૂપિયા ફી રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવાની હોય છે પરંતુ પાછલા વર્ષોમાં સિવિલ હોસ્પિટલમાંથી આવા તબીબી અભિપ્રાયો આપવા સબબ વસુલવામાં આવેલ ફી અંગેના કોઈ હિસાબો મળતા ન હોય ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશ છૂટતા હાલમાં વિજિલન્સ તપાસનો ધમધમાટ શરૂ થયો હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દારૂના પ્યાસીઓને આપવામાં આવતી હેલ્થ પરમીટના તબીબી અભિપ્રાય માટે પેનલ તબીબોની હેલ્થ ચકાસણી સહિતના આકાર નિયમો છે પરંતુ પ્રોપર ચેનલ મારફતે તબીબી અભિપ્રાય માટે સિવિલમાં ચોક્કસ અધિકારીને સાધવામાં આવે તો અભિમન્યુના સાત કોઠા વીંધવા જેવી કઠિન પ્રક્રિયા અત્યંત સરળ બની જાય છે અને તબીબી અભિપ્રાય માટે નિયત કરાયેલી ફી ચેક કે યુપીઆઈ મારફતે નહીં પરંતુ ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે ચુકવવામાં આવે તો આસાનીથી તબીબી અભિપ્રાય ભૂતકાળમાં મળી જતો હતો.
બીજી તરફ હેલ્થ પરમીટ માટેના તબીબી અભિપ્રાયકાંડમાં વિજિલન્સ તાપસ વચ્ચે રોગી કલ્યાણ સમિતિ રજીસ્ટર્ડ થયેલી સોસાયટી હોય જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા પણ હેલ્થ પરમીટ ઈશ્યુ કરતા પૂર્વે લેવામાં આવતા તબીબી અભિપ્રાય માટેની નિયત ફી સમિતિમાં કેટલી અને ક્યારે જમા થઇ છે તે મુદ્દે હિસાબો શરૂ કર્યા હોવાનું નશાબંધી વિભાગમાંથી ઈશ્યુ કરવાંમાં આવેલી પરમીટોને આધારે હિસાબોની આવક જાવકનો તાગ મેળવવા પ્રયાસો ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
તબીબી અભિપ્રાયની ફાઈલો લોક એન્ડ કી માં : સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ
રાજકોટ સિવિલ હોસ્પિટલના નવા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માંકડિયાને આ બાબતે પૂછતાં તેમને જણાવ્યું હતું કે, હેલ્થ પરમીટ માટે આપવામાં આવતા તબીબી અભિપ્રાય અંગેનું તમામ સાહિત્ય હાલમાં લોક એન્ડ કીમાં છે અને અધિકારીની કમિટી સાથે મળી આ સાહિત્યની ચકાસણી કરવામાં આવશે. જો કે, સત્તાવાર રીતે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હેલ્થ પરમીટના તબીબી અભિપ્રાય મામલે કોઈ જ અધિકારીઓ બોલવા તૈયાર ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.