રાજ્યની 11 યુનિવર્સિટીઓમાં એફઆરસીનો અમલ કરાશે
સરકારના પગલાંથી ખાનગી કોલેજમાં લેવામાં આવતી ફી પર નિયંત્રણ આવશે
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહત્વનો નિર્ણય લઈ શાળાઓની જેમજ કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને આકરી ફીથી લુંટાતા બચાવવા ફી નિયમન કમિટી રચવા નિર્ણય કર્યો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 11 યુનિવર્સિટીઓને સમાવી લેવામાં આવી છે. નવા એફઆરસીના નિયમોની અમલવારીને કારણે બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ સહિતના કોર્સની ફી જે-તે યુનિવર્સિટી કક્ષાએ કુલપતિની અધ્યક્ષતાવાળી કમિટી કરશે.
ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટી માટે એફઆરસીની રચના કરવા નિર્ણય કર્યો છે જેમાં સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના નિવૃત્ત જજ તેમાં સભ્ય હશે. આ ઉપરાંત જે-તે યુનિવર્સિટીના કુલસચિવ સભ્ય તો ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર તેમાં મેમ્બર સેક્રેટરી હશે. જો કે, આ કમિટી ખાનગી યુનિવર્સિટીઓમાં ચાલતી ઉઘાડી લૂંટ પર લગામ નહીં લાવી શકે. સરકારના આ નિર્ણયને કારણે હવે સ્ટેચ્યુટમાં નવા કાયદાથી ખાનગી કોલેજમાં લેવામાં આવતી ફી પર નિયંત્રણ આવશે.
એફઆરસીમાં સમાવવામાં આવેલ યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા
સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી,
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા
ફી નિયમન સમિતિમાં કોનો સમાવેશ
કુલપતિ – ચેરમેન
સુપ્રીમ કોર્ટ/હાઈકોર્ટના નિવૃત્ત જજ – સભ્ય
પૂર્વ કુલપતિ/ડાયરેક્ટર – સભ્ય
બેન્કના નિવૃત્ત જનરલ મેનેજર – સભ્ય
ચાર્ટડ એકાઉન્ટન્ટ – સભ્ય
કુલસચિવ – સભ્ય
ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર – મેમ્બર સેક્રેટરી