રાજકોટ એઇમ્સના ગેઇટ નજીક રૂ.10 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
સરકારી બે એકર જમીન ઉપર કરાયું હતું વાવેતર : તાલુકા મામલતદારનું બુલડોઝર ફરી વળ્યું
રાજકોટ : રાજકોટની એઇમ્સ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર નજીક જ બે એકર સરકારી જમીન ઉપર ખેતી વિષયક દબાણ ઉભું થઇ જતા તાલુકા મામલતદાર દ્વારા સ્વેચ્છાએ દબાણ હટાવવા આદેશ કરવા છતાં દબાણ ન હટાવવામાં આવતા બુધવારે આ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દઈ 10 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ એઇમ્સ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર નજીક આવેલ પરાપીપળીયા ગામનાં સર્વે નં.197 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં અંદાજે રૂા.10 કરોડની કિંમતની બે એકર સરકારી જમીન ઉપર લાંબા સમયથી થઈ ગયેલા ખેતીવિષયક દબાણ ખડકાઈ ગયું હોવાથી દબાણકર્તાને અગાઉ તાલુકા મામલતદાર તંત્રએ નોટીસ ફટકારી સ્વૈચ્છીક રીતે દબાણ હટાવી દેવા આદેશ આપેલ હતો પરંતુ દબાણકર્તાએ સ્વૈચ્છીક રીતે દબાણ નહિં હટાવતા બુધવારે રાજકોટ તાલુકા મામલતદાર અને તેમની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે બે એકર જમીન ઉપરના દબાણ હટાવી અંદાજે રૂા.10 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.