અગ્નિકાંડની તપાસ માટે ફેકટ ફાઈન્ડીંગ કમિટીની રચના
ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે આજે ત્રણ વરિષ્ઠ આઈ.એ.એસ.અધિકારીઓની કમિટીની રચના કરી છે. આ કમિટી રાજકોટના અગ્નિકાંડમાં ઝીણવટભરી તપાસ કરશે અને ફેકટ ફાઈન્ડીંગ રીપોર્ટ રજુ કરશે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની સત્યતા જાણવા માટે રાજ્ય સરકારે સીટની રચના કરી છે છતાય સીટ સામે અનેક સવાલો ઉઠ્યા છે. આ અંગે ગુજરાત હાઈકોર્ટે પણ સંજ્ઞાન લઈ ફટકાર આપતા સરકારમાં રીતસરની દોડધામ મચી ગઈ હતી. હાઈકોર્ટના આદેશ બાદ પણ અગ્નિકાંડમાં નવી કમિટીની રચનામાં સરકાર ઠાગાઠૈયા કરી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ હતુ, તેથી વિભાગીય તપાસ માટે આજે ત્રણ IAS અધિકારીની તપાસ સમિતી રચવામાં આવી છે.
આ નવી કમિટીમાં પી સ્વરૂપ, મનિષા ચંદ્રા અને રાજકુમાર બેનિવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી ગેમઝોનનો પાયો નખાયો ત્યારથી અગ્નિકાંડ સુધીના તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરશે. જેમા ક્યા અધિકારીએ કામ કર્યુ અને કોણે કામગીરી ન કરી એ જવાબદારી આ સમિતિ નક્કી કરશે, 15 દિવસ બાદ 2 જુલાઈ સુધીમાં સમિતિએ તપાસ રિપોર્ટ સોંપશે.
