ખાણી-પીણીના શોખીન રાજકોટવાસીઓ ચેતજો : ભાવનગર રોડ પર ગ્રીન પાલક પંજાબી-ચાઈનીઝમાંથી સડેલા મંચુરિયન પકડાયા
પટેલ વાડી સામે આવેલી હોટેલમાં ફૂડ શાખાનો દરોડો: વાસી સોસ પણ મળ્યો
રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખાએ ભાવનગર રોડ પર પટેલ વાડી સામે આવેલા ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઈનીઝમાં દરોડો પાડી ચેકિંગ કરતાં ૯ કિલો વાસી મંચુરિયન તેમજ સોસનો જથ્થો મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરી ધંધાર્થીને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત કોઠારિયાના રોલેક્સ રોડ પર ધરમ કોમ્પલેક્સમાં આવેલી નંદનવન ડેરીમાંથી પનીર (લુઝ), કોઠારિયા મેઈન રોડ પર શણગાર હોલના કોર્નર પાસે આવેલી શ્રીનાથજી ડેરીમાંથી મીક્સ દૂધ, જામનગર રોડ પર ઈશ્વરવા મહાદેવ મંદિર મેઈન રોડ પરની ખોડિયાર ડેરીમાંથી ગીર માધવ સ્વીટ માવો અને દહીંના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
જ્યારે બોલબાલા માર્ગ તેમજ ગોંડલ રોડ પીડીએમ કોલેજ સામેના વિસ્તારમાં ખાણીપીણીનું વેચાણ કરતાં ૩૮ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવતા ૧૯ પાસે લાયસન્સ ન હોવાનું સામે આવતાં તમામને નોટિસ ફટકારાઈ હતી.