અગ્નિકાંડ: અઢી લાખ પાનાનું ચાર્જશીટ વહેલું રજૂ કરાશે
કાંડની ઝીણામાં ઝીણી અને મોટામાં મોટી વિગતો સાથેનું ચાર્જશીટ ૨૨ જૂલાઈએ કોર્ટમાં રજૂ કરશે ક્રાઈમ બ્રાન્ચ
૬૦ દિવસની અંદર ચાર્જશીટ તૈયાર થવાનું હતું પણ ત્રણ દિવસ વહેલું જ મુકી દેવાશે
જેલમાં રહેલા સાગઠિયા, રોહિત વિગોરા, રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી, મુકેશ મકવાણા ઉપરાંત ગેઈમ ઝોન સંચાલકોના નિવેદન ઉપરાંત સસ્પેન્ડેડ અધિકારીઓના નિવેદન ચાર્જશીટમાં સામેલ
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સર્જાયાને આજે ૪૫ દિવસ વીતી ગયા છે છતાં હજુ સુધી આ દિવસના ગોઝારા દૃશ્યો જનમાનસમાં ઘૂમરાઈ રહ્યા છે. એકંદરે રાજકોટે ક્યારેય ન જોયા હોય તેવા આ કાંડે શહેર જ નહીં બલ્કે આખા દેશને હચમચાવી નાખ્યો છે. આ કાંડમાં અત્યાર સુધીમાં ૧૫ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે તો કાંડને લઈને ૭૦થી વધુ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. અગ્નિકાંડનો કેસ ઝડપથી ચાલે તે માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૬૦ દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરવાનું હતું પરંતુ હવે નિર્ધારિત સમયના ત્રણ દિવસ પહેલાં ચાર્જશીટ કોર્ટ સમક્ષ મુકી દેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કાંડનું ચાર્જશીટ ૨૫ જૂલાઈએ રજૂ થનાર હતું પરંતુ હવે ૨૨ જૂલાઈએ તેને રજૂ કરવામાં આવશે અને ચાર્જશીટમાં પાનાની સંખ્યા અઢી લાખને આંબી જાય તેવી શક્યતા પોલીસ સૂત્રોએ વ્યક્ત કરી છે.
૨૫ મેએ આ અગ્નિકાંડ બન્યા બાદ ૨૬ જૂનથી જ પોલીસ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો અને એક બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી રહી હતી. આ તમામ આરોપીઓ જેમાં એમ.ડી.સાગઠિયા, રાજેશ મકવાણા, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રોહિત વિગોરા, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર, નીતિન જૈન સહિતના નિવેદન ઉપરાંત સાક્ષીઓ, સસ્પેન્ડેડ અધિકારીઓ, પીડિતોના પરિવારજનો, કોર્પોરેટર નીતિન રામાણી સહિતના નિવેદનો પોલીસે નોંધ્યા હતા. આ તમામ નિવેદન ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે અને બને એટલી ઝડપથી ચાર્જશીટ કોર્ટમાં રજૂ થઈ જાય તે માટે પોલીસે રાત-દિવસ એક કરીને તમામ તૈયારીઓ કરી હતી સાથે સાથે કાંડની તપાસમાં ક્યાંય પણ બ્રેક ન લાગે તે માટે પણ પૂરતા પ્રયાસ કરાયા હતા.
ચાર્જશીટ રજૂ થયા બાદ શું થશે ?
- કોર્ટમાં ચાર્જશીટ મુકાયા બાદ આરોપીઓ પોતપોતાના વકીલો મારફતે જામીન મુકશે
- સેશન્સ કોર્ટ દ્વારા જામીન રદ્દ કરાયા બાદ આરોપીઓ હાઈકોર્ટમાં જામીન અરજી કરશે
- બન્ને કોર્ટ દ્વારા જામીન નામંજૂર થયા બાદ આરોપીઓ પોતાના કેસની ડિસ્ચાર્જ અરજી કરશે
- ડિસ્ચાર્જ અરજી પર નિર્ણય લેવાયા બાદ કોર્ટ આરોપીઓ સામે ત્હોમતનામું ઘડશે
- આ પછી સરકાર પક્ષે દસ્તાવેજી પૂરાવા રજૂ કરાશે
- સાક્ષીઓ, સાહેદોના નિવેદન લેવાશે
- સરકારી વકીલ દ્વારા સાક્ષીઓ-સાહેદોની સર તપાસ કરાશે
- બચાવ પક્ષના વકીલ સાક્ષી-સાહેદોની ઉલટ તપાસ કરશે
અગ્નિકાંડમાં અત્યાર સુધી શું શું બન્યું ?
બનાવ તા.૨૫ મે
ગુનો નોંધાયો ૨૬ મે
આરોપી ૧૬ (એક આરોપી પ્રકાશ હરણનું મૃત્યુ)
ચાર્જશીટ ૨૨ જૂલાઈ
ક્યારે કયો આરોપી પકડાયો
યુવરાજસિંહ હરિસિંહ સોલંકી ૨૬ મે
નીતિનકુમાર મહાવીરપ્રસાદ લોઢા (જૈન) ૨૬ મે
રાહુલ લલિતભાઈ રાઠોડ ૨૭ મે
ધવલ ભરતભાઈ ઠક્કર ૨૮ મે
કિરીટસિંહ ઉર્ફે કીર્તિભાઈ જગદીશસિંહ જાડેજા ૨૯ મે
મનસુખ ધનજીભાઈ સાગઠિયા ૩૦ મે
ગૌતમ દેવશંકરભાઈ જોષી ૩૦ મે
મુકેશ રામજીભાઈ મકવાણા ૩૦ મે
રોહિત આસમલભાઈ વિગોરા ૩૦ મે
અશોકસિંહ જગદીશસિંહ જાડેજા ૧૩ જૂન
જયદીપ બાલુભાઈ ચૌધરી ૧૫ જૂન
રાજેશ નરશીભાઈ મકવાણા ૧૫ જૂન
ભીખા જીવાભાઈ ઠેબા ૨૨ જૂન
ઈલેશકુમાર વાલાભાઈ ખેર ૨૨ જૂન
મહેશ અમૃતભાઈ રાઠોડ ૨૨ જૂન
એક પણ આરોપી છટકી ન શકે તે પ્રકારે ચાર્જશીટ તૈયાર કરાયું
પોલીસના એક ઉચ્ચ અધિકારીએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અગ્નિકાંડ બાદ ધરપકડ થયેલો એક પણ આરોપીને જામીન ન મળે તે પ્રકારે ચાર્જશીટ તૈયાર કરવામાં આવ્યું છે મતલબ કે આરોપી માટે એક પણ છટકબારી રહી ન જાય તેનું ખાસ ધ્યાન રખાયું છે. હવે ચાર્જશીટ રજૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તપાસ વધુ વેગવંતી બનાવી દેવાઈ છે.