ગેમઝોન અગ્નિકાંડના દિવસે જ આગ ઓલાવવાનાં સાધનો એક્સપાયર થઇ ગયા
કલેકટર કચેરીમાં જ અગ્નિશમનના સાધનો બાબતે બેદરકારી
જવાબદારીની ફેંકાફેંકી ! જનરલ શાખાએ આરએન્ડબીની જવાબદારી હોવાનું કહી હાથ ઉંચા કરી નાખ્યા
રાજકોટ : રાજકોટના કાલાવડ રોડ ઉપર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટી અને ફાયર એનઓસીનો મામલો ગરમાયો છે ત્યારે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરોને અગ્નિશમન વ્યવસ્થાપન મામલે કડક પગલાં ભરવા આદેશ કરી એફઆઈઆર નોંધવા આદેશ કર્યા છે તેવા સમયે રાજકોટની જિલ્લા કલેકટર કચેરીમાં જ અગ્નિશમનના સાધનો બાબતે લોલમલોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે, કોર્પોરેટ લુક ધરાવતી કલેકટર કચેરીમાં ફાયર સિસ્ટમ તો લગાવવામાં આવી છે પરંતુ અગ્નિશમનના સાધનો ટીઆરપી અગ્નિકાંડના દિવસે જ એક્સપાયર થઇ ગયા છે છતાં પણ જવાબદાર જનરલ શાખા આ ગંભીર મામલે જવાબદારીની ફેંકાફેંકી કરી બધું આર એન્ડ બીમાં આવતું હોવાનો જવાબ આપી રહ્યું છે.
રાજકોટના કાલાવડ રોડ ઉપર નાનામવા નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25ના રોજ અગ્નિકાંડ સર્જાતા આ દુર્ઘટનામાં સરકારી આંકડા મુજબ 27 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને ઘટનાના ચાર દિવસ બાદ પણ હજુ મૃતદેહોની સોંપણીની કાર્યવાહી ચાલી રહી છે તેવા સમયે જ રાજકોટ જિલ્લાના સમાહર્તા એવા કલેકટર કચેરીમાં જ ફાયરના સાધનો એક્સપાયરી ડેઈટના હોવાનું સામે આવ્યું છે, રાજકોટ કલેકટર કચેરીમાં ત્રણેય માલ ઉપર બબ્બે જગ્યાએ ફાયર હોઝ પાઇપ મુકવામાં આવ્યા છે પરંતુ લોબી અને સાઈડના ભાગમાં હોઝ પાઇપ ન પહોંચી શકે ત્યાં અગ્નિશમનના સાધનો મુકવામાં આવ્યા છે જે ટીઆરપી અગ્નિકાંડના દિવસે જ એક્સપાયર થઇ ગયા છે.
બીજી તરફ દરરોજ સેંકડો લોકોની જ્યા અવર જ્વર થાય છે અને જ્યાં જિલ્લા આખાનો રેકોર્ડ સચવાયેલ પડ્યો છે તેવી જિલ્લા કલેકટર કચેરીમાં ફાયર સેફટીના સાધનો ચાલુ કન્ડિશનમાં છે કે નહીં તેની જાણકારી અને અગ્નિશમનના સાધનો એક્સપાયર થઈ જવા મામલે જવાબદાર કલેકટર કચેરીની જનરલ શાખાના અધિકારી પાવરાએ જણાવ્યું હતું કે, આ બાબત અમારામાં ન આવે જયારે માર્ગ અને મકાન વિભાગના અધિકારી વિપુલ વાઘેલાને આ બાબતે પૂછતાં તેમને જણાવ્યું હતું કે, અમોને તા,27ના રોજ પત્ર પાઠવી અગ્નિશમનના સાધનો રીફીલ કરવા જણાવાયું છે. હાલમાં કચેરીમાં 20 અગ્નિશમનના બાટલા લગાવવામાં આવ્યા હોવાનું જે પૈકી 10 બાટલા રીફિલમાં મોકલતા આગામી દસ પંદર દિવસમાં લગાવવામાં આવશે તેવું જણાવ્યું હતું.
જો કે, સદનસીબે આજદિન સુધીમાં જિલ્લા કલેકટર કચેરીમાં આગની ઘટના ક્યારેય બની નથી પરંતુ દુર્ઘટના કાયમ ન બને તે યાદ રાખી આવા સાધનો નિયમિત એક્સપાયર થયા પહેલા જ તંત્રએ જાગવું જરૂરી છે, જો કે, કલેકટર કચેરી બની ત્યારથી લગાવવામાં આવેલા હોઝ પાઇપ પણ એકપણ વખત ખોલવામાં આવ્યા ન હોય દુર્ઘટના સમયે આ ફાયર સિસ્ટમ કામ આપશે કે,નહીં તે બાબતે પણ જિલ્લા વહીવટીતંત્રે વહેલી તકે જાગી પગલાં લેવા જોઈએ..