રાજકોટમાં ચારે બાજુ રોગચાળો: કોલેરા-મરડો-મેલેરિયા ફરી દેખાયા’
શરદી-ઉધરસ-તાવના દર્દીઓની ઉભરાતી હોસ્પિટલો-દવાખાના: ટાઈફોઈડના એક સાથે ચાર કેસ: પાણીજન્ય રોગચાળાએ પણ લીધો
ઉપાડો’
રાજકોટમાં હજુ સીઝનનો પૂરતો વરસાદ પણ પડ્યો નથી ત્યાં જ રોગચાળો બેકાબૂ બની ગયો હોય તેમ ચારે બાજુ સાજા ઓછા અને માંદા લોકો વધુ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ કોલેરા અને મરડો પણ ફરી દેખાવા લાગતાં ભયમાં વધુ ઉમેરો થયો છે. તાજેતરમાં જ લોહાનગરમાંથી એક બાળક કોલેરાગ્રસ્ત થયા બાદ હવે એ જ વિસ્તારમાં વધુ એક બાળકને કોલેરા હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત મરડા તેમજ મેલેરિયાનો પણ એક-એક કેસ મળ્યો હોવાનું આરોગ્ય શાખાએ જાહેર કર્યું છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૧-૭-૨૦૨૪થી તા.૭-૭-૨૦૨૪ સુધીના સાત દિવસમાં રોગચાળાના જાહેર કરેલા આંકડા પ્રમાણે મેલેરિયાનો એક કેસ મળ્યો છે. આ જ રીતે શરદી-ઉધરસના ૧૦૭૬ કેસ મળ્યા છે જે ઘણા વધુ હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે તો સામાન્ય તાવના ૪૭૬ દર્દી અને ઝાડા-ઊલટીના ૨૯૬ કેસ મળી આવ્યા છે.
બીજી બાજુ ટાઈફોઈડના એક સાથે ચાર કેસ મળ્યા છે તો કોલેરાનો વધુ એક અને મરડાનો એક કેસ મળી આવ્યો છે.
કોલેરા એક દર્દીમાંથી બીજામાં ફેલાયો: વારંવાર હાથ ધોવાનું રાખો
આરોગ્ય વિભાગ દ્વારા લોકોને એવી અપીલ પણ કરવામાં આવી છે કે કોલેરા થયો હોય તેવા દર્દીના સંપર્કમાં આવવાથી બીજી વ્યક્તિને પણ કોલેરા થઈ શકે છે એટલા માટે લોકોએ વારંવાર હાથ ધોવાનું અને સ્વચ્છતા જાળવવાનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. લોહાનગરમાંથી કોલેરાના બે કેસ મળ્યા છે જેમાં એક કેસ મળ્યા બાદ તેના સંપર્કમાં દોઢ વર્ષનું બાળક પણ આવ્યું હોવાથી તે પણ કોલેરાગ્રસ્ત થયું છે.