આજે રાજ્ય શિક્ષણ બોર્ડની બે બેઠકો માટે ચૂંટણી યોજાશે
રાજકોટમાં વિરાણી વિદ્યાલય તેમજ ગોંડલ, જસદણ અને ધોરાજીના મતદાન કેન્દ્રો પર સવારના 8થી સાંજના 5 કલાક સુધી મતદાન
વિધાનસભા અને લોકસભા ચૂંટણી જેવા માહોલમાં આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં કુલ નવ બેઠકો પૈકી અગાઉ છ બેઠકો બિન હરીફ થવાની સાથે એક બેઠક માટે ચૂંટણી મોકૂફ રહેતા આજે શાળા સંચાલક મંડળ અને સરકારી માધ્યમિક શાળાના શિક્ષકની બે બેઠક માટે રાજકોટ શહેર ઉપરાંત જસદણ,ગોંડલ અને ધોરાજીના મતદાન મથકો ઉપર મતદાન થનાર છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં શાળા સંચાલક મંડળની બેઠક ઉપર અમદાવાદના જેન્તીભાઈ વીરદાસભાઈ પટેલ, રાજકોટ જીલ્લાના ડો.પ્રિયવદનભાઈ કોરાટ અને મેહુલભાઈ પરડવા વચ્ચે રસાકસીભર્યો જંગ ખેલાનાર છે. જયારે સરકારી માધ્યમિક શાળાના શિક્ષકની બેઠક ઉપર ભગોરા ચેતના બચુભાઈ, જાડેજા દિવ્યરાજસિંહ મહાવીરસિંહ, રાજેશકુમાર ચોધાણી અને વિજયભાઈ ખટાણા એમ ચાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામી છે.
ઉલ્લેખનીય છે કે, શાળા સંચાલક મંડળની બેઠક પર 6310 અને સરકારી શાળાના શિક્ષકની બેઠક ઉપર 4677 જેટલા મતદારો મતદાન કરશે. શિક્ષણ બોર્ડની આ બે બેઠકની ચૂંટણીએ વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ખડો કર્યો છે. શિક્ષણ જગતમાં આ ચૂંટણીએ ભારે ઉત્તેજના જગાવી દીધી છે. રાજકોટ ખાતે વિરાણી વિવિધલક્ષી વિદ્યાલય તેમજ જીલ્લામાં ગોંડલની મોંઘીબા હાઈસ્કૂલ, જસદણની મોડલ સ્કૂલ અને ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે આજે સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધી આ ચૂંટણીનું મતદાન યોજાશે.
સરકારી માધ્યમિક શાળાઓમાં આજે રજા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજરોજ બે બેઠકની ચૂંટણી યોજાનાર હોય જેને લઈને રાજકોટ જીલ્લા સહિત રાજયભરની સરકારી માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડની અગાઉ છ બેઠક બીનહરીફ થવા પામી હતી. જયારે બે બેઠકની ચૂંટણીના મતદાન માટે સરકારી શાળાઓમાં મતદાન બુથો ઉભા કરવામાં આવેલ છે અને સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષકો પણ આ ચૂંટણીમાં મતદાન કરનાર હોય આજે રાજયભરની તમામ સરકારી માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.