આધારકાર્ડના સુધારા-વધારામાં ધડાધડ રિજેક્ટ કરાતી અરજીઓ
રાજકોટ સહિત રાજ્યભરમાં રિજેક્ટ અરજીનું પ્રમાણ વધ્યું : ઓપરેટરોને પણ પેનલ્ટી
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં યુઆઈડીએઆઈ દ્વારા કોઈપણ કારણ વગર આધારકાર્ડમાં સુધારા-વધારા કરાવવા જતા નાગરિકોની અરજીઓ ધડાધડ રિજેક્ટ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે, જો કે, આજના સમયમાં પાસપોર્ટ કઢાવવાથી લઈ સ્કૂલ એડમિશન અને જુદી-જુદી સબસીડી કે સરકારી યોજનાના લાભ માટે આધારકાર્ડ ફરજીયાત બન્યું છે ત્યારે કોઈપણ જાતના કારણ દર્શાવ્યા વગર આધારકાર્ડ ધારકો પાસેથી 50થી 100 રૂપિયા જેટલી તગડી ફી મેળવી મફતની કમાણી કરી રહી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં જિલ્લા કલેકટર તંત્ર હસ્તકની 10 આધારકીટ ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકા, પંચાયત, આંગણવાડી કેન્દ્રો અને બેંકો ખાતે નવા આધારકાર્ડની નોંધણી અને આધારકાર્ડમાં સુધારા-વધારા કરવામાં માટે કામગીરી કરવામાં આવે છે જેમાં એકલા જિલ્લા કલેકટર તંત્ર હસ્તકની 10 આધારકાર્ડ કીટમાં જ મહિને 3600 જેટલા આધારકાર્ડના સુધારા-વધારા અને નવા આધારની નોંધણી થાય છે જેમાં દર મહિને 350 થી વધુ અરજીઓ રિજેક્ટ થતી હોય સરેરાશ 10 ટકા લોકોને સુધારા- વધારા કરાવવા માટે બે મહિના બાદ વધારાની ફી ચૂકવી આધારકાર્ડ સેન્ટરના ધક્કા ખાવા પડતા હોવાનું સામે આવ્યું છે.
વધુમાં રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આધારકાર્ડ નોંધણી અને સુધારા-વધારા કેન્દ્રોમાં અરજીઓ મોટાપ્રમાણમાં રિજેક્ટ થતી હોવાનું અને તમામ અરજીઓ રિજેક્ટ થવા પાછળ એક જ પ્રકારની એરર દર્શાવવામાં આવતી હોવાની ફરિયાદ ખુદ આધારકાર્ડ સેન્ટર ચલાવતા ઓપરેટરો જણાવી રહ્યા છે, ખાસ કરીને રિજેક્શનનું પ્રમાણ વધતા આધારકાર્ડ ઓપરેટરોને પેનલ્ટી અને આકરો દંડ ફટકારવામાં આવતો હોવાથી ઓપરેટરો પણ આવી કામગીરીથી ત્રાહિમામ પોકારી નોકરી છોડી રહ્યાનું સામે આવ્યું છે.
આધારકાર્ડમાં ફી માળખું
નવું આધારકાર્ડ સરકારની જોગવાઈ મુજબ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે, પરંતુ નાના મોટા સુધારા માટે 50થી 100 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે અને જો કોઈને આધારકાર્ડની સેવા ઘેર બેઠા મેળવવી હોય તો 800થી 900 રૂપિયા ચાર્જ વસુલવામાં આવતો હોવાનું જાણવા મળે છે.