નીરવનું મોત ગેઇમઝોનમાં જ થયું છે કે નહિ ? તેવો પુરાવો માંગતા કોર્ટમાં છવાયો આશ્ચર્ય !
અગ્નિકાંડ: ગ્રાહક સુરક્ષા કમિશનમાં નોધાયોલા કેસમાં થઈ સુનાવણી
૪૫ દિવસ બાદ પોલીસ વિભાગ, મહાપાલિકા , કલેકટર સહિતના પક્ષોએ જવાબ અને વાંધાઅરજી રજુ કરી
ટીઆરપી ગેઇમઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નિરવ વેકરીયા ના પરિવાર દ્વારા રાજકોટ ગ્રાહક સુરક્ષા કમિશન સમક્ષ દાવો મુકાયો છે. જે કેસમાં 45 દિવસ બાદ પોલીસ, મહાપાલિકા, કલેકટર સહિતના પક્ષો દ્વારા જવાબ તેમજ વાંધાઅરજી રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે આ સુનાવણી દરમીયાન સામાવાળાપક્ષ દ્વારા નીરવ અગ્નિકાંડમાં મૃત્યુ પામ્યો છે કે નહિ? તે અંગે પુરવો માંગતા કોર્ટે પરિસરમાં આશ્ચર્ય છવાયો હતો.
રાજકોટ બાર એસો. તેમજ કન્ઝ્યુમર બાર એસોસિએશન દ્વારા ઠરાવ પસાર કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ટીઆરપી ગેઇમઝોનની ઘટનામાં આરોપીઓ વતી કોઈપણ એડવોકેટ રોકાશે નહીં. ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામનાર નીરવ વેકરીયાના પરિવાર દ્વારા ગ્રાહક સુરક્ષા કમિશન સમક્ષ રૂપિયા 20 લાખનો દાવો મૂકવામાં આવ્યો હતો. જેમાં આશરે 45 દિવસ બાદ આરોપી અશોકસિંહ અને કિરીટસિંહ દ્વારા પોતાના એડવોકેટ મારફતે કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં તેઓની કોઈ જવાબદારી ન હોવાનો બચાવ લીધો હતો. તેમજ મૃત્યુ પામનાર ભાગીદાર પ્રકાશ જૈન પર ઓળિયો ઘોડિયો ઢાળી પોતે જવાબદાર નથી તેવું સાબિત કરવાની કોશિષ કરી હતી.
જ્યારે પોલીસ કમિશનર તરફથી રાજકોટ એસીપી કોર્ટમાં હાજર રહીને તમામ જરૂરી દસ્તાવેજો, કરાર, ચાર્જશીટ સહિતના આધાર પુરાવો રજૂ કરેલા હતા.જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. તેમજ લાંચના કેસમાં સસ્પેન્ડ થયેલા ચીફ ફાયર ઓફિસર અનિલ મારુના સોગંદનામાં સાથે પોતાને આ કેસ માંથી ડીલીટ કરવાની અરજી કરી હતી. રાહુલ રાઠોડ તરફે રોકાયેલા વકીલે તે નોકરિયાત હતો તેવો બચવા લીધો હતો. હરિસિંહ સોલંકી ના વકીલ દ્વારા પણ બચાવ લેવામાં આવ્યો હતો કે, આ ફરિયાદ કન્ઝયુમર કમિશનની હુકુમત માં આવતી જ નથી.
મહત્વની વાત એ છે કે, આ કેસમાં મૃતક નીરવ વેકરીયા અગ્નિકાંડમાં મૃત્યુ પામ્યા છે કે નહીં તેના આધાર પુરાવા સામાવાળા તરફેથી માંગવામાં આવ્યા હતા.તેમજ ફરિયાદી એ મૃતકના પિતા છે કે નહીં તેના પણ પુરાવા માંગવામાં આવ્યા હતા. ફરિયાદીના એડવોકેટ ગજેન્દ્ર જાનીએ કોર્ટમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલા તથ્યો અને હકીકત ફરિયાદને પૂર્ણ સમર્થન કરે છે. કોર્પોરેશન અને કલેકટર કચેરી તરફેથી યોગ્ય અને ન્યાયિક પ્રતિભાવ મળેલ નથી. જેથી જરૂર પડશે તો ડિસ્કવરી એપ્લિકેશન ફાઇલ કરવામાં આવશે અને તમામ દસ્તાવેજો અને આધાર પુરવા કોર્ટના રેકોર્ડ પર લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા મૃતકના પરિવાર વતી આ કેસ વિના મૂલ્યે લડવામાં આવી રહ્યો છે.