રાજકોટ જિલ્લાના મંદિરોમાં ભક્તોને મળે છે fssai સર્ટિફિકેટ વાળો પ્રસાદ
તિરુપતિ બાલાજીના પ્રસાદમાં ચરબીના વિવાદ વચ્ચે
ખોડલધામ, સીમંધર મંદિર, ઘેલા સોમનાથ અને સ્વામિનારાયણ મંદિરે મેળવ્યા fssai પ્રમાણપત્ર
આંધ્રપ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ચરબી અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજકોટ શહેર જિલ્લામાં આવેલ મંદિરોમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે fssai સર્ટિફિકેટ વાળા પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે જો કે, મહત્વની વાત એ છે, મોટાભાગના મંદિરોમાં પ્રસાદ વિતરણ કરવામાં આવે છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં એક પણ મંદિરમાંથી રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગે પ્રસાદના નમૂના લીધા નથી.
કચ્છ-કાઠિયાવાડની ભૂમિ ઉપર આવેલા મોટાભાગના મંદિરોમાં વર્ષોથી ભજન અને ભોજનની પ્રથા ચાલી આવી છે ત્યારે આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં આપવામાં આવતા લાડુમાં ચરબીયુક્ત ઘીનો વપરાશ થતો હોવાના અહેવાલો બાદ પ્રસાદ વિવાદ જાગ્યો છે ત્યારે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં આવેલ મંદિરો પણ ચર્ચામાં આવ્યા છે. ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ મંદિર, ઇસ્કોન મંદિર સહિતના સ્થળો ઉપર ભાવિક ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે પરંતુ આ પ્રસાદના છેલ્લા પાંચેક વર્ષ દરમિયાન નમૂના લેવામાં ન આવ્યા હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ રાજકોટ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર, સીમંધર મંદિર, ખોડલધામ મંદિર તેમજ રાજકોટ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ભક્તોને આપવામાં આવતો પ્રસાદ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે fssai સર્ટિફાઈડ હોવાનું સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળે છે, રાજકોટ જિલ્લાના આ ચાર મંદિરોના પ્રસાદને fssai સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગે પાંચ વર્ષમાં પ્રસાદના નમૂના નથી લીધા
તિરૂંપતિ મંદિર પ્રસાદ વિવાદ વચ્ચે રાજકોટ શહેરમાં આવેલા અનેક મંદિરોમાં ભક્તોને પ્રસાદ આપવામાં આવતો હોવાનું મહાનગર પાલિકાના ફૂડ વિભાગના ધ્યાનમાં હોવા છતાં પણ છેલ્લા પાંચ વર્ષમાં એકપણ મંદિરમાં નમૂના લેવામાં આવ્યા નથી બીજી તરફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાર્યક્ષેત્ર ધરાવતા ફૂડ વિભાગે પાંચ વર્ષમાં અનેક સ્થળોએ નમૂના લીધા હોવાનું પરંતુ ક્યાંય પણ વાંધાજનક બાબત સામે ન આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.