રાજકોટમાં ડેંગ્યુ વિદ્યાર્થીને ભરખી ગયો
આર.કે.યુનિવર્સિટીમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા મુળ બિહારના વિદ્યાર્થીને બે દિ’ પહેલાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો’તો: બીમાર હોવા છતાં વિદ્યાર્થીને યુનિ. દ્વારા રજા ન અપાયાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ
રાજકોટમાં ડેંગ્યુનો રોગચાળો દિવસેને દિવસે વધી રહ્યાનું મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવતાં આંકડા પરથી પૂરવાર થઈ રહ્યું છે. બીજી બાજુ ડેંગ્યુએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેમ મૃત્યુ થવા લાગતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. મુળ બિહારના અને રાજકોટની આર.કે.યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ડેંગ્યુની ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે આર.કે.યુનિવર્સિટીમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો મુળ બિહારનો રફુ કુમાર કે જેને તાવ આવવાને કારણે ગત તા.૧૦ ઑક્ટોબરે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં સઘન સારવાર મળવા છતાં તે કારગત ન નિવડતાં આખરે રફુ કુમારે હોસ્પિટલના બિછાને જ દમ તોડી દેતાં સાથી વિદ્યાર્થીઓમાં ભય ફેલાઈ ગયો હતો. બીજી બાજુ આર.કે.યુનિ.ના વિદ્યાર્થીનું મોત થયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં સાથી વિદ્યાર્થીઓ હોસ્પિટલે દોડી ગયા હતા અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આર.કે.યુનિવર્સિટીમાં ભયંકર હદે ગંદકી ફેલાયેલી છે જેના કારણે મચ્છરોનો ત્રાસ અનહદ જોવા મળી રહ્યો છે આમ છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનું ધ્યાન દેવામાં આવતું નથી. આટલું ઓછું હોય તેમ મૃતક વિદ્યાર્થી બીમાર હોવાને કારણે તેણે મેડિકલ લીવ આપી હતી પરંતુ તેની હાજરી ઓછી હોવાને કારણે તેને રજા આપવામાં ન આવતાં તેનું મૃત્યુ નિપજ્યું છે. હવે વિદ્યાર્થીઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગણી કરવામાં આવશે.