રાજકોટમાં લાયટિંગ અને અમેરિકન ડાયમંડવાળા ગરબાની માંગ
નવરાત્રિમાં માતાજીની આરાધના માટે માટીના ગરબાને પણ લાગ્યો આધુનિક રંગ: કચ્છી, રાજસ્થાની, મિરર વર્કવાળા સહિત મોતી, આભલાવાળા ગરબા લેવા લોકો ઉમટ્યા
આસો મહિનામાં માતાજીની આરાધના કરવા માટે નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. આગામી તા.15 થી નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય નોરતા પૂર્વે રાજકોટની બજારોમાં માટીમાંથી બનાવવામાં આવતા રંગબેરંગી અને આકર્ષક ગરબાનું વેંચાણ થઈ રહ્યું છે. આ વર્ષે ગરબામાં મોતી, આભલા, ટીકીનો ઉપયોગ કરીને સુંદર રીતે શણગારેલા ગરબા વેંચાઈ રહ્યા છે.
નવરાત્રિમાં માતાજીની આરાધના કરતાં ભક્તો પોતાના ઘરમાં માટીનો ગરબો સ્થાપિત કરતાં હોય છે. વર્ષો જૂની આ પ્રાચીન પરંપરા આજના આધુનિક યુગમાં પણ ચાલુ છે. પ્રાચીન પરંપરા મુજબ નોરતા દરમિયાન ભાવિકો શ્રદ્ધાથી માટીના દેશી ગરબામાં નવ દિવસ અખંડ દીવો કરી માતાજીની આરાધના કરતાં હોય છે. મંદિર અને ઘરમાં માટીના છિદ્રોવાળા રંગબેરંગી ગરબાની સ્થાપન કરતાં હોય છે.
આજના આધુનિક યુગમાં પણ માટીના ગરબાની સ્થાપના કરવાની પરંપરા ચાલુ છે જે બદલાઈ નથી. પરંતુ ગરબામાં જરૂરથી બદલાવ આવ્યો છે. પહેલાના સમયમાં માટીના ગરબામાં કલર કરેલા ગરબા મળતા હતા. જ્યારે આજના સમયમાં માટીના ગરબામાં કલરની સાથોસાથ તેમા આભલા, ટીકી, મોતી, ડાયમંડ પણ ચોંટાડી તેને આકર્ષક રૂપ આપવામાં આવ્યા છે. છેલ્લા દશેક વર્ષથી ગરબાનું વેંચાણ કરતાં નિલેશભાઈ બુંદેલા કહે છે કે, દર વર્ષે ગરબામાં કઇંક નવું કરવાનો મારો પ્રયત્ન રહે છે. આ વર્ષે મે લાઇટિંગ અને અમેરિકન ગરબા બનાવ્યા છે. જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે. હાલ તેની માંગ વધુ છે. એક ગરબો બનાવતા ઓછામાં ઓછામાં 5 થી 6 દિવસ લાગે છે. જ્યારે અમે નવરાત્રિના એક થી દોઢ માસ અગાઉ જ ગરબાને આભલા, ટીકી, મોતી, ડાયમંડ પણ ચોંટાડી તેને આકર્ષક રૂપ આપીએ છીએ. ગરબા ઉપરાંત માતાજીની ચુંદડી અને હાર લેવા માટે પણ શહેરની બજારમાં લોકો ઉમટી રહ્યા છે.
રૂ.200થી 3000 સુધીના મળે છે ગરબા
હાલ રાજકોટમાં જુદી-જુદી જગ્યાએ નવરાત્રીને લઈને ગરબા વેચાઈ રહ્યા છે. માટીના આ ગરબાને પણ આધુનિક રંગ લાગ્યો છે અને તેમ પણ જુદી-જુદી વેરાયટી લોકોને મળી રહી છે. ડાયમંડ, લાઇટિંગ વાળા, મોતી ચોંટાડેલા આ વિવિધ ગરબાની કિંમત રૂ.200થી લઈને રૂ.3000 સુધીની હોય છે.
કચ્છી, રાજસ્થાની, મિરર વર્કવાળા ગરબાનું પણ થતું વેચાણ
નવરાત્રિમાં માતાજીની આરાધના કરવા માટે લોકો ઘરમાં માટીના ગરબામાં અખંડ દીવો રાખતા હોય છે. પહેલા સમયમાં માટીના ગરબા મળતા હતા તે જ ગરબાને હવે આકર્ષક બનાવવામાં આવ્યા છે. કચ્છી, રાજસ્થાની, મિરર વર્કવાળા ઉપરાંત ટ્રેડિશનલ લુક વાળા ગરબાની ડિમાન્ડ દર વર્ષે રહેતી છે. જ્યારે આ વર્ષે લાઇટિંગ અને અમેરિકન ડાયમંડ વાળા ગરબાની માંગ હોવાનું વેપારી જણાવી રહ્યા છે.