વિચરતી જાતિના બાળકોને આરટીઈ પ્રવેશ માટે વધારાનો સમય આપવા માંગ
સૌ ભણે સૌ આગળ વધે સુત્રને સાર્થક કરવા વિચરતી અને વિમુક્ત જાતીના આગેવાન દ્વારા રજુઆત
રાજકોટ : આજનાં યુગમાં શિક્ષણ વિના જીવનની કલ્પના નથી ત્યારે જેને પોતાનું એક નિશ્ચિત ઠેકાણું નથી તેવાં વિચરતી જાતિ સમાજના પરિવારના બાળકો આધાર પુરાવાના અભાવે શિક્ષણથી વંચિત રહી જતા હોય આવા વિદ્યાર્થીઓ માટે આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન આપવામાં આવે તેવી માંગ સાથે વિચરતી અને વિમુક્ત જાતીના આગેવાનો દ્વારા રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કાઠિયાવાડ ગાડલિયા લુહાર સમાજના યુવા પ્રમુખ અને સામાજિક આગેવાન દેવરાજ રાઠોડ દ્વારા આ બાબતે રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવીને આ બાબતે ગંભીર બનીને પગલાં લેવા રજુઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિચરતી જાતિ હજારો વર્ષોથી અસ્થાયી જીવન જીવી રહી છે, તેમનું આજના યુગમાં પણ કોઈ નિશ્ચિત સરનામું નથી તેવાં સમયે તેમનાં બાળકો આધાર પુરાવાના અભાવને કારણે એડમિશનથી વંચિત રહી જાય છે. સરકારના ‘સૌ ભણે સૌ આગળ વધે’ જેવા સૂત્રને સાર્થક કરવાં પહેલા સૌને એડમિશન આપવું પડશે. માટે આવાં બાળકો આરટીઈ એડમિશન પ્રક્રિયામાં બાકી ન રહી જાય અને ઓનલાઈન પોર્ટલ આવા વંચિત વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને ચાલુ કરવામાં આવે તેવી ખાસ માંગ કરી છે.રજુઆત સમયે વિચરતી અને વિમુક્ત જાતીના યુવા આગેવાન દેવરાજ રાઠોડ, ખાનગી શાળાના સાયન્સના શિક્ષક હિરેન અમરેલીયા,વિદ્યાર્થી આગેવાન દેવાયાત ખટાણા, મયુર વાલાણી સહીતના યુવાનો ઉપસ્થિત રહીને તંત્રને ધારદાર રજુઆત કરી હતી.