દરોડા અમદાવાદ-સુરતમાં પડ્યા’ને આંગડિયા વેપાર ઠપ્પ થયો સૌરાષ્ટ્રનો !
રાજકોટમાં પણ ઉડે…ઉડે જેવી સ્થિતિ; અનેક પેઢીઓ બંધ: ચૂંટણી બાદ આવકવેરાના દરોડાએ પાટું મારતાં કરોડોના વ્યવહારને અસર
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂરી થતાં જ આવકવેરા વિભાગ એક્શનમાં આવી ગયું છે અને દરોડાનો દોર શરૂ થઈ ગયો છે. સુરતમાં ત્રણ કંપનીના ૧૨ સ્થળે દરોડા પાડ્યા બાદ તેનો રેલો મોરબી સુધી આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ-સુરતમાં આવેલી આંગડિયા પેઢીઓ ઉપર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કરતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રનો વ્યવહાર ઠપ્પ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે દરોડા અમદાવાદ-સુરતમાં પડ્યા’ને આંગડિયા વેપાર સૌરાષ્ટ્રનો ઠપ્પ થઈ ગયો હોવાનો ગણગણાટ પણ પેઢીઓમાં સાંભળવા મળી રહ્યો છે.
આમ તો આવકવેરા વિભાગની તપાસ સુરત અને અમદાવાદ પૂરતી જ મર્યાદિત છે મતલબ કે રાજકોટ સાથે કોઈ પ્રકારનું સત્તાવાર કનેક્શન હજુ સુધી ખુલ્યું નથી પરંતુ આ બન્ને શહેરો સાથે રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર સીધી અથવા આડકતરી રીતે આંગડિયા વ્યવહારમાં સંકળાયેલા હોવાથી ગમે ત્યારે રાજકોટ કે સૌરાષ્ટ્ર સુધી તપાસ આવી પડે તેવી સ્થિતિ હોવાનું માની મહત્તમ પેઢીઓએ થોડા સમય માટે ધંધો `વધાવી’ લીધાનું જાણવા મળે છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ચૂંટણીની આચારસંહિતાને કારણે આંગડિયા મારફતે કોઈ પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો ન્હોતો. ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ફરી કારોબાર ધમધમતો થશે તેવી આશા હતી પરંતુ ત્યાં જ આવકવેરા વિભાગ એક્શનમાં આવતાં ફરી બંધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.