કોન્સ્ટેબલ PIને અડી’ ગયો !!
લાયસન્સ માટેની અરજી ત્રણ દિ' સુધી પીઆઈએ
પેન્ડીંગ’ રાખી’તી: કોન્સ્ટેબલે આવીને સાહેબ, ઘરનું જ છે'કહીને
ભલામણ’ કરી’ને પીઆઈ માની ગયા
ટીઆરપી ગેઈમ ઝોન દૂર્ઘટનામાં જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કાંડ બાદ સરકાર દ્વારા તાત્કાલિક એક્શન લઈને સસ્પેન્શનનો રાઉન્ડ લેવાનું શરૂ કરી દીધું છે અને પીઆઈ સહિત એક સાથે સાત બેદરકારોને સસ્પેન્ડ કરી દીધા છે. આ કાર્યવાહી બાદ પોલીસ બેડામાં તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. જે બે પીઆઈ સસ્પેન્ડ થયા છે તે પૈકીના એક પીઆઈને કોન્સ્ટેબલ જ આભડી' ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે બે પૈકીના એક પીઆઈ પાસે જ્યારે ગેઈમ ઝોનને પોલીસ તરફથી લાયસન્સ આપવાની અરજી આવી ત્યારે તેમણે દિલની વાત માની હસ્તાક્ષર કરવાનું ટાળ્યું હતું. ત્રણ-ત્રણ દિવસ સુધી અરજી પીઆઈના જ ટેબલ પર પડી રહેતાં સંચાલકોએ પોતાના
છેડા’ અડાડવાનું શરૂ કરી દઈ એક જાણીતા કોન્સ્ટેબલનો સંપર્ક સાધ્યો હતો. તે સમયે કોન્સ્ટેબલ પીઆઈ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો હોવાને કારણે તેને કહેવાથી કામ પતી જશે તેવું માનીને આ કામ તેને સોંપવામાં આવ્યું હતું.
એ કોન્સ્ટેબલે પણ સંચાલકોની વાત ઝીલી લીધી હતી અને ત્રણ દિવસથી પેન્ડીંગ રહેલી અરજી ઉપર ઝડપથી પીઆઈની મંજૂરી મળી જાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. એક તબક્કે કોન્સ્ટેબલે પીઆઈને અરજી અંગે કહ્યું હતું કે `સાહેબ, ઘરનું જ છે’ કહીને હસ્તાક્ષર કરી દેવા કહ્યું હતું ત્યારે પીઆઈએ પણ કશું સમજ્યા-જાણ્યા વગર કોન્સ્ટેબલની વાત માની બેઠા અને અરજી મંજૂર કરી દેતાં અત્યારે તેમણે આ પરિણામ જોવાનો વખત આવ્યો છે. જો તેમણે કોન્સ્ટેબલની વાત માનવાને બદલે કાયદા પ્રમાણે ચાલવાનું પસંદ કર્યું હોત તો કદાચ અત્યારે તેઓ સસ્પેન્ડ થયા જ ન હોત અને આ પ્રકારની દૂર્ઘટના પણ આકાર લઈ જવા પામી ન હોત !