કચ્છથી વિસ્ફોટક ગુજરાતમાં ઘૂસાડવાનું ષડયંત્ર
ચરસ બાદ સૈયદ સુલેમાન પીર નજીકના દરિયાકાંઠેથી બિનવારસુ વિસ્ફોટક સેલમળ્યા
ભારતમાં ભાંગફોડ માટે કોઈ એક પ્લાનિંગની આશંકા
અબડાસા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાથી ગત 17 ઓગસ્ટના વિસ્ફોટક સેલ મળી આવ્યા બાદ જખૌ મરીન પોલીસને સૈયદ સુલેમાન પીર નજીકના દરિયાકાંઠેથી બિનવારસુ વિસ્ફોટક સેલ મળી આવતા જેના પગલે વિવિધ સુરક્ષા એજન્સીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.દરિયાકાંઠાના શિયાળ ક્રિક અને સૈયદ સુલેમાન પીર કાંઠા વિસ્તારમાં સ્ટેટ આઈબી અને જખૌ મરીન પોલીસ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન વિસ્ફોટક સેલ દરિયાકાંઠે બિનવારસુ હાલતમાં મળી આવ્યું હતું.વિસ્ફોટક સેલ મળ્યાની જાણકારી મળતા જ વિવિધ સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે પહોંચીને વિવિધ દિશાઓમાં તપાસમાં જોડાઈ છે.આ તપાસમાં ડોગ સ્ક્વોડ તેમજ જિલ્લાની ટીમ પણ વિસ્ફોટક સેલની ઘટના સ્થળે પહોંચીને તપાસકરી હતી તેમજ વિશેષ ટીમ આવીને વિસ્ફોટક સેલનું નિરીક્ષણ કર્યું હતું .કચ્છના દરિયાકાંઠેથી સતત માદક પદાર્થના બિનવારસુ પેકેટ મળવાના સિલસિલા વચ્ચે હવે બીજી વખત વિસ્ફોટક સેલ મળી આવતા સંનસનાટી મચી ગઈ છે.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ભારતમાં ભાંગફોડ માટે કોઈ એક પ્લાનિંગ સાથે ષડયંત્ર ચાલી રહ્યું છે. ભૂતકાળની ઘટનાઓ પર નજર કરતાં જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે કે અહીં દેશની સલામતી સામે સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમાં અહીં છૂટક છૂટક ચરસના પેકેટ હોય કે વિસ્ફોટક કિનારા પર વહેતા કરીને દેશ વિરોધી તાકાતો દેશમાં કદાચ આરડીએક્ષ જેવા સ્ફોટક પદાર્થો પણ મોકલી રહ્યાનું મનાય છે. આવા ચરસના પેકેટો અને વિસ્ફોટકો કિનારા પર વહેતા કરી સલામતી એજન્સીઓનું અહીં ધ્યાન એક તરફ ખેંચીને બીજી તરફથી દેશ વિરોધી તત્વો પોતાનું કામ તમામ કરી રહ્યા હોવાનું કોઈ કાળે નકારી શકાતું નથી, તો અહીંથી જે અત્યાર સુધી વિસ્ફોટક મળ્યા છે તેના પર મેઇડ ઇન યુએસએ લખાયેલું છે કે પછી ઉર્દૂ ભાષામાં કઈ લખાયેલું છે. આવા લખાણો મોટે ભાગે સેનામાં વપરાતા હથિયારોના હોય છે, જ્યારે ઉર્દુ જેવી ભાષામાં લખાયેલ વિસ્ફોટક હોય તો આવા લખાણો કોઈ એમ ચોક્કસ દેશ કે આતંકી સંગઠનોમાં જોવા મળે છે જે મોટેભાગે આતંકી તત્વો વાપરતા હોય છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચરસના પેકેટો અને આવા સેલ વહેતા મૂકી એજન્સીઓનું ધ્યાન અહી વાળી દઈ સ્થાનિક દેશ વિરોધી સ્લીપર સેલને કોડવર્ડ (સંકેત) આપી દેવાય છે. ત્યારે બીજી જગ્યાએથી કે અહિથી જ તેઓના મારફત બાકીના ચરસના ડ્રગ્સના પેકેટો કે વિસ્ફોટક દેશમાં ઘુસાડી દેવાની શક્યતા નકારી શકાતી નથી ત્યારે આ અંગે ઉચ્ચસ્તરીય કક્ષાએથી તપાસ શરૂ કરવામાં આવી છે.
અબડાસાના દરિયા કિનારા વિસ્તારના સઇદ સુલેમાન પીર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી ગઇકાલે એક વિસ્ફોટક મળી આવ્યા બાદ છેક માંડવીથી કોટેશ્વર સુધીના દરિયા કિનારા પર 500થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પિંગલેશ્વર નજીકના દરિયા કિનારેથી વધુ દસ ચરસના પેકેટ ભરેલ થેલો મળી આવ્યો હતો. સાથે સાથે માંડવીના પ્રબુડી દરિયાકાંઠેથી પણ ચરસના પાંચ પેકેટ મળી આવ્યા હતા.સુલેમાન પીરની દરગાહ પાસેથી વધુ 10 પેકેટ ભરેલો થેલો મળી આવ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન ડોગ સ્કેવોર્ડની ટીમો સાથે હાથ ધરાયેલ ઓપરેશન દરમિયાન બે દિવસમાં 35 જેટલા ચરસના પેકેટ હાથ લાગ્યા છે એનો સ્પષ્ટ અને સીધો સંકેત એ મળે છે કે અમુક વિસ્તારને બાદ કરતા અન્ય સ્થળેથી આ ચરસના પેકેટો લાપતા થઈ રહ્યા છે, એટલે કે સગેવગે કરાઈ રહ્યા હતા.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ એક પ્લાનિંગ સાથે ષડયંત્ર ચાલી રહ્યું છે. કચ્છના માંડવીના ધ્રબુડીથી કોટેશ્વર સુધીના દરિયા કિનારેથી ચરસના પેકેટ અને વિસ્ફોટકો મળી રહ્યા છે અને જે વિસ્તારના નામો અત્યાર સુધી ક્યારેય પણ બહાર આવ્યા નહોતા તે વિસ્તારોના દરિયા કિનારાઓનો ઉપયોગ હવે વિસ્ફોટક અને માદક પદાર્થો ઘૂસાડવા માટે થઈ રહ્યો છે. જેને સૂચક માનવામાં આવે છે કારણ કે છેલ્લા બે વર્ષથી વધુ સમય થયો અહીંથી ચરસના પેકેટો મળવાનું શરૂ થયું છે પરંતુ અપવાદને બાદ કરતા ચોક્કસ વિસ્તારને છોડી ક્યારે પણ એ વિસ્તારોના નામ જાહેર થયા ન હતા, ત્યારે પ્રશ્ન એ થાય કે શું અત્યાર સુધી એ વિસ્તારોમાં ચરસના પેકેટ તણાઈને આવ્યા જ નહોતા..? કે પછી બધું જ ગોઠવાયેલુંહોય શકે છે.