ચા,નાસ્તા અને મંડપ સર્વિસના ભાવ અડધા કરવા કોંગ્રેસની રજુઆત
લોકસભા ચૂંટણી ખર્ચ સંદર્ભે રેટ ચાર્ટ મિટિંગ બાદ ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીતંત્રના ભાવનો કર્યો હતો વિરોધ
ડઝનેક વસ્તુઓના ભાવ બજારભાવ કરતા ડબલ હોય સુધારો કરી વાસ્તવિક ભાવ રાખવા માંગણી કરાઈ
રાજકોટ : લોકસભા ચૂંટણી અંતર્ગત મંગળાવરે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીએ માન્ય રાજકીય પક્ષો સાથે યોજેલી રેટ ચાર્ટ મિટિંગમાં ચૂંટણીખર્ચમાં ગણતરી માટે રજૂ કરેલા ભાવ બમણા કરતા પણ વધુ હોય મુખ્ય રાજકીયપક્ષ ભાજપ અને કોંગ્રેસે તંત્રના ભાવનો વિરોધ કરી ખરા વાસ્તવિક બજાર ભાવ અમલી કરવા માંગણી કરી હતી, સાથે જ કોંગ્રેસ દ્વારા લેખિત પત્ર પાઠવી ચા, નાસ્તો, ભોજન, મંડપ સર્વિસ સહિતની ચીજવસ્તુઓના ભાવ સુધારવા માંગ કરી હતી.
10 – રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી અંતર્ગત માન્ય રાજકીયપક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ બેઠક યોજી હતી આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાર્ટીના ઉમેદવાર દ્વારા કરવામાં આવતા ખર્ચના હિસાબોમાં ચા ના 20, દૂધના 30 રૂપિયા, નાસ્તાના 63 રૂપિયા, જમણના 153, ઠંડા પાણીના જગના 30 રૂપિયા, વાહન ભાડે રાખવામાં જીપના 3000, ઇકોના 3000, ટેમ્પો ટ્રાવેલ્સના 7500, ટ્રેકટરના 12000, બસના 13,500, ડ્રાઇવર ભથ્થું 800 રૂપિયા હેલીકૉપટર ભાડું એક દિવસના 1.27 લાખથી લઈ 4.35 હજાર, એરક્રાફ્ટના એક દિવસના 1.5 લાખથી લઈ 4.95 હજાર, ઢોલ નગારાના એક વ્યક્તિના 1000, કેશિયો પાર્ટી રેંકડીમાં હોય તો 2000, ડીજે વાહન સાથે 10,000 રૂપિયા દરરોજ, ફૂકના હારના 50 રૂપિયા, ટોપીના 30થી 50 રૂપિયા, મફલરના 50થી 75 રૂપિયા, ધજાના 90 રૂપિયા, શાલના 200 રૂપિયા ફટાકડા એક બોક્સના 1500રૂપિયા, બગીના 7000 રૂપિયા જનરેટરના 7000 રૂપિયા, માસ્કના 3થી 10 રૂપિયા, શણગારેલો ઘોડો 2000થી 2500 રૂપિયા ટીશર્ટના 150થી 500 રૂપિયા, સહિતના ભાવ નક્કી કરાયા હોવાનું જાહેર કર્યું હતું.
બીજી તરફ ચૂંટણી અધિકારીએ રજૂ કરેલા ભાવ અને વાસ્તવિક બજારભાવ વચ્ચે ખુબ જ મોટું અંતર હોવાનું જણાવી ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ તંત્રના ભાવ સામે વાંધો રજૂ કર્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ બુધવારે જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીતંત્રએ રેટચાર્ટમાં ચાના રૂપિયા 20 દર્શાવ્યા છે હકીકતમાં બજારભાવ 10 રૂપિયા છે એ જ રીતે મંડપના ભાવમાં પણ ડબલગણો ભાવ વધારો છે, સાથે જ નાસ્તા અને ભોજનના ભાવમાં પણ ઘણો ફેરફાર હોય રેટચાર્ટના ભાવમાં ત્વરિત સુધારો કરવા માંગણી કરી હતી.