મીઠામાં પણ ગરબડ ? ૬ સ્થળેથી નામાંકિત `નમક’ના નમૂના લેવાયા
દાંડી રિફાઈન્ડ, અંકુર રિફાઈન્ડ, લાઈટ એન્ડ ફિટ રિફાઈન્ડ, અંકુશ, ટોપ કૂકનું સેમ્પલ લેબોરેટરીમાં રવાના: ખાણીપીણીના ૨૫ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, પાંચ પાસે લાયસન્સ ન્હોતું
તહેવારોની સીઝન શરૂ થઈ ચૂકી છે. દિવાળી પર તરેહ-તરેહના પકવાન પકાવવામાં આવતાં હોય તેમાં મીઠા (નમક)નો મહત્તમ ઉપયોગ થતો હોવાથી નફાખોરો હવે નમકમાં પણ ભેળસેળ કરવા લાગ્યા હોય તેવી આશંકાને પગલે મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ૬ સ્થળેથી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ફૂડ શાખા દ્વારા દાણાપીઠમાં સદ્ગુરુ સોલ્ટમાંથી દાંડી રિફાઈન્ડ ફ્રી ફોલ આયોડિન નમક (૧ કિ.ગ્રા. પેક્ડ), અહીંથી જ અંકુર રિફાઈન્ડ ફ્રી ફોલ આયોડિન નમક (૧ કિ.ગ્રા. પેક્ડ), જૂના દાણાપીઠ ચોક, સ્વામિનારાયણ શેરીના ખૂણે સંદીપ સોલ્ટમાંથી લાઈટ એન્ડ ફિટ રિફાઈન્ડ ફ્રી ફોલ આયોડિન નમક, અહીંથી જ અંકુશ રિફાઈન્ડ ફ્રી ફોલ આયોડિન નમક, દાણાપીઠમાં બારદાન ગલીમાં આવેલી ઠા.જયેન્દ્રકુમાર છોટાલાલ (જે.કે.) પેઢીમાંથી ટોપ કૂક ગોલ્ડ રિફાઈન્ડ ફ્રી ફોલ આયોડિન નમક અને દાણાપીઠ મેઈન રોડ પર સાંઈ સોલ્ટ ટે્રડિંગમાંથી અંકુશ રિફાઈન્ડ ફ્રી ફોલ આયોડિન નમકનો નમૂનો લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શહેરના જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશિપ, ગાયત્રીનગર-વાણિયાવાડી વિસ્તારમાં આવેલી ખાણીપીણીના ૨૫ જેટલા ધંધાર્થીઓને ત્યાં કરવામાં આવેલા ચેકિંગમાં પાંચ ધંધાર્થી પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવતાં તેમને નોટિસ ફટકારી લાયસન્સ લઈ લેવા તાકિદ કરવામાં આવી હતી.