અલ્પના મિત્રાના ઘેર ફાઈલ લઈને જનારા ઈજનેરોનો ભાર’ વધારી દેતાં કમિશનર !
વી.એચ.ઉમટ, એ.એમ.કણઝારીયા, ડી.વાય.ત્રિવેદી, ડી.બી.મોરી, એચ.એમ.ખખ્ખર, એચ.આર.જાડેજા સહિત ૪૩ ઈજનેરોની કામગીરીમાં વધારો
ત્રણ નાયબ કાર્યપાલક ઈજનેરના વોર્ડ બદલાયા, સાતની બદલી
મહાપાલિકાના નિવૃત્ત એડિશનલ સિટી ઈજનેર અલ્પના મિત્રાના ઘેર ૩૭થી વધુ ફાઈલ લઈને પહોંચેલા મહાપાલિકાના નવેક ઈજનેરો સામે આકરાં પગલાં તોળાઈ રહ્યા છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે પરંતુ તે પહેલાં નવમાંથી અમુક ઈજનેરનો મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ દ્વારા
ભાર’ વધારી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે આ ઈજનેરોને વધારાની કામગીરી સોંપવામાં આવી છે. મ્યુ.કમિશનર દ્વારા મહાપાલિકા કચેરીની બહાર ફાઈલ લઈને જનારા ઈજનેરો સહિત ૪૩ ઈજનેરોની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે.
મિત્રાના ઘેર ફાઈલ લઈને પહોંચેલા નાયબ કાર્યપાલક ઈજનેર (મીકેનિકલ) ડી.વાય.ત્રિવેદી પાસે અત્યાર સુધી ઈસ્ટ ઝોનમાં વોટર (ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ) સેલની કામગીરી હતી જેમાં વધારો કરીને ઈસ્ટ ઝોન (આજી અને બેડી) હસ્તના વોટર (ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ) તેમજ ઝોન હસ્તકા પ્રોજેક્ટની તમામ કામગીરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ જ રીતે આસિસ્ટન્ટ ઈજનેર (મીકેનિકલ) ડી.બી.મોરીને પણ આ જ પ્રકારે કામગીરી સોંપાઈ છે. જ્યારે નાયબ કાર્યપાલક ઈજનેર (મીકેનિકલ) વી.એચ.ઉમટ તેમજ એ.એ.ઈ. (મીકેનિકલ) એ.એમ.કણઝારીયા પાસે વેસ્ટ ઝોન વોટર સેલની કામગીરી હતી તેમને હવે વેસ્ટ ઝોન, રૈયાધાર ઝોન હસ્તકની તેમજ ઝોનના પ્રોજેક્ટની કામગીરી સોંપાઈ છે.
આ ઉપરાંત આસિસ્ટન્ટ ઈજનેર (ઈલેક્ટ્રિકલ) એચ.આર.જાડેજા નાયક કાર્યપાલક ઈજનેર (મીકેનિકલ) એચ.એમ.ખખ્ખરને સેન્ટ્રલ ઝોન હસ્તકના વોટર તેમજ રેલનગર જીએસઆર, માધાપર હેડવર્કસ, ન્યારા જીએસઆર, આજીથી જિલ્લા ગાર્ડન પાઈપ લાઈન પ્રોજેક્ટની તમામ કામગીરી સોંપાઈ છે.
જ્યારે ત્રણ નાયબ કાર્યપાલક ઈજનેરના વોર્ડ બદલાયા છે તો સાતની બદલી કરવાનો હુકમ મ્યુ.કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.